અમદાવાદ, તા.૭
ગુજરાતમાં એક જ દિવસમાં બે ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં વાવ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને સુરતની કામરેજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યો વી.ડી. ઝાલાવડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે કૉંગ્રેસના વધુ એક એમએલએ કોરોના પોઝિટિવ થયા છે. વાવ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગેનીબેનને બે દિવસથી તાવ આવી રહ્યો હતો. જે બાદમાં તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને સારવાર માટે ગાંધીનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ હૉસ્પિટલમાં જ સારવાર લેશે. સુરત જિલ્લાની કામરેજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા તેમના અંગત મદદનીશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત ગત શનિવારે તેઓ સીએમ સાથેની બેઠકમાં પણ હાજર હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે પહોંચી હતી. એવી પણ માહિતી મળી છે કે વી.ડી.ઝાલાવડિયાને કોરોનાને કોઈ લક્ષણો ન દેખાતા તેઓ પોતાના ઘરે જ હોમ આઇસોલેશનમાં રહેશે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીની કોરોનાની સારવાર કરતી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ડોકટરોએ એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ)ના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાની સલાહ લીધી છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે બે વાર સેવા આપી ચૂકેલા સોલંકીની સારવાર માટે અન્ય ટોચના ડોકટરોની સલાહ પણ લેવામાં આવી છે. ૬૭ વર્ષીય ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો ન થતાં ગત સપ્તાહે વડોદરાની હોસ્પિટલથી અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, ૨૩મી જૂને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘ખાનગી હોસ્પિટલના ડૉકટરોએ એઇમ્સના વડા ડૉ. ગુલેરિયા અને મુંબઈની લીલાવતી હોસ્પિટલના ટોચના ડોક્ટરોની સલાહ લીધી છે. ‘ચાવડાએ જણાવ્યું હતું કે, સોલંકીની સ્થિતિમાં ઝડપથી સુધારો લાવવા માટે વિશેષ ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા છે. તેમની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે, પરંતુ તેમને હજી પણ ઓક્સિજન સપોર્ટની જરૂર છે. ડૉકટરો જલ્દીથી તેમની સ્થિતિમાં વધુ સુધારો થવાની અપેક્ષા છે.