અમદાવાદ, તા. ર૮
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા જયરામ રમેશે ગુજરાત સરકારના સાહસ જીએસપીસી અંગે કરેલા આક્ષેપો અને નિવેદનોને બિનપાયેદાર તથા હકિકત જોયા જાણ્યા વિના કરેલા આક્ષેપો ગણાવી ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના સર્વાંગી વિકાસની નવી ઊંચાઇઓ અને જીએસપીસીની સિધ્ધિઓને વિપક્ષ કોંગ્રેસના જે લોકો સાંખી શકતા નથી તેવા લોકો જ નીર-ક્ષીર વિવેક કે, વિચાર કર્યા વિના જીએસપીસીની વિવિધ ગતિવિધિઓનો વિરોધ કરવા નીકળ્યા છે.
જયરામ રમેશ આ વિરોધ દ્વારા પોતાનું અધકચરું જ્ઞાન પ્રદર્શિત કરી રહ્યા છે તેમ જણાવતા ઊર્જા મંત્રીએ કહ્યું કે, હાઇડ્રો કાર્બન એકસપ્લોરેશનના બિઝનેસની મૂળભૂત બાબતોનું જ્ઞાન જ જયરામ રમેશને નથી એમ તેમના પાયાવિહોણા આક્ષેપો પૂરવાર કરે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભારત હાઇડ્રો કાર્બન ક્ષેત્રે આત્મનિર્ભર બને તે પણ આવા તત્વો ઇચ્છતા નથી એટલે જ જીએસપીસી સામે કોઇ જ તથ્ય વિનાના આક્ષેપો કર્યા કરે છે. ગુજરાતમાં કુશળ નેતૃત્ત્વ અને દૂરંદેશિતાને પગલે જીએસપીસી ગ્રુપે સુદૃઢ આંતરમાળખાકીય સુવિધાઓ ગેસગ્રીડ વિકસાવીને લાખો ઘરોમાં પાઇપલાઇનથી નેચરલ ગેસ અને ઊદ્યોગકારોને સીએનજી ગેસ અવિરત પહોચાડવાની સિદ્ધિ હાંસલ કરી છે. જીએસપીસી દેશની ગેસના વિતરણ-વેચાણ ટ્રેડીંગ એકટીવીટી કરનારી બીજા ક્રમની મોટી કંપની છે. તદઉપરાંત જીએસપીસીની સબસીડીયરી કંપનીઓ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લીમીટેડ (જીએસપીસી) પણ સમગ્ર દેશમાં ગેસ પરિવહન ક્ષેત્રે બીજો નંબર ધરાવતી કંપની છે. જીએસપીસીની જ અન્ય એક સબસીડીયરી ગુજરાત ગેસ લીમીટેડ તો ભારતમાં ગેસ વિતરણ ક્ષેત્રની સૌથી મોટી કંપની બની ગઇ છે તેમ ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાત જ દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં ૧પ લાખ જેટલા ઘરોમાં ઁપીએનજી ગેસ નેટવર્ક ધરાવે છે. દેશના બીજા કોઇ પણ રાજ્યએ આ સિમાચિન્હ રૂપ કામ કર્યુ છે ખરૂં ?તેવો સવાલ તેમણે જયરામ રમેશને કર્યો છે. સૌરભ પટેલે જીએસપીસીની આ સિદ્ધિઓ વિશે જોયા-જાણ્યા વિના આધાર-તથ્યો વિહિન આક્ષેપો-ટિકાઓ કરીને જયરામ રમેશ અને વિપક્ષ પોતાનું અજ્ઞાન છતું કરે છે તેમ જણાવ્યું છે. ઊર્જા મંત્રીએ કહ્યું કે, આક્ષેપોના સંદર્ભમાં જ્યાંસુધી સીએનજી અહેવાલને લાગે વળગે છે ત્યાં સુધી સીએનજીએ તેના કોઇ અહેવાલમાં આ પ્રકારના કોઇ કૌભાંડનો ઉલ્લેખ કર્યો જ નથી. સૌરભ પટેલે એમ પણ જણાવ્યું કે, જીએસપીસીને આ કે.જી. બ્લોક ઇન્ટરનેશનલ કોમ્પીટીટીવ બિડીંગ-(આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ઇજારદારો સાથે ઊભા રહીને) તેના માપદંડોના આધારે જ ફાળવવામાં આવ્યો હતો. આ બ્લોકમાં મોટાપાયે ગતિવિધિઓ હાથ ધરવામાં આવી અને ેર૦૦૪થી ર૦૧૪ દરમ્યાન તે અંગે ખર્ચ પણ કરવામાં આવેલો. તે પછી કેન્દ્રની તેમના જ પક્ષની યુ.પી.એ. સરકારે કે.જી. બ્લોક માટે વાર્ષિક કાર્ય યોજના અને તે માટેના બજેટ દર વર્ષે મંજૂર કરેલા જ છે તેમ પણ ઊર્જા મંત્રીએ જયરામ રમેશને આડે હાથ લેતા જણાવ્યું છે.