(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૧
ગુજરાત રાજ્ય હજ કમિટી મારફત પવિત્ર હજયાત્રાએ જવા ઈચ્છુક ગુજરાતના હજ અરજદારો માટે કુર્રાહ (ડ્રો)નો કાર્યક્રમ તા.૧૮-૧-ર૦૧૮ને ગુરૂવારે સવારે ૧૧ કલાકે ગાંધીનગર ટાઉનહોલમાં રાખવામાં અવ્યો છે. આથી રાજ્યના હજ અરજદારોએ ઉપસ્થિત રહેવા ગુજરાત રાજ્ય હજ સમિતિના સચિવ આઈ.એમ. શેખે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે. ગુજરાત હજ કમિટીના ચેરમેનશ્રી પ્રો. મોહંમદઅલી કાદરીના જણાવ્યા મુજબ હજ વર્ષ-ર૦૧૮ (હિજરી ૧૪૩૯) માટે ગુજરાત રાજ્યને જનરલ કોટામાં ૪ર૦૬ સીટો મળેલ છે જ્યારે વધારાના ક્વોટા મુજબ વધારાની ર૧૮૯ સીટો પણ ફાળવવામાં આવેલ છે. તદ્‌અનુસાર ગુજરાત રાજ્યને કુલ ૬૩૯પ સીટો ફાળવવામાં આવેલ છે. આ સામે કુલ પ૮પ અરજદારો ૭૦+ કેટેગરીના હોવાથી બાકીની પ૮૧૦ સીટો ફાળવવા માટે કુર્રાહ (ડ્રો)નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આમ ગુજરાત રાજ્યના કુલ ૪૩૯૬૯ અરજદારોમાંથી કુલ ૬૩૯પ (પ૮પ +પ૮૧૦ = ૬૩૯પ)ને કન્ફર્મ કરવામાં આવશે અને બાકીના અરજદારો માટે વેઈટીંગ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. કુર્રાહ હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોગ્રામ દ્વારા રેન્ડમ સિલેકશન પદ્ધતિથી રાજ્યના તમામ અરજદારો સામે ઉપર જણાવ્યા મુજબ સીટોની ફાળવણી કરાશે અને સિસ્ટમ દ્વારા જ કન્ફર્મ અને વેઈટિંગ નક્કી કરાશે. વધુમાં મુખ્ય અરજદાર (કવર હેડ)ના મોબાઈલ પર હજ કમિટી ઓફ ઈન્ડિયા, મુંબઈ દ્વારા એસએમએસ મોકલી જાણ કરવામાં આવશે.