અમદાવાદ, તા.૬
ગુજરાત માટે ખરેખર ગર્વની વાત છે ! સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ ગુજરાત રાજ્યને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતના તમામ ૧૮,ર૬૧ ગામોને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પેયજલ અને સ્વચ્છતા રાજ્યમંત્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગીએ પ,ફેબ્રુઆરી ર૦૧૮ના રોજ રાજ્ય સભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ માહિતી આપી હતી.
ભારત સરકારે મહાત્મા ગાંધીજીના જન્મદિનના અવસર પર ર, ઓક્ટોબર ર૦૧૪ના દિવસે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)નો પ્રારંભ કર્યો હતો અને ર, ઓક્ટોબર ર૦૧૯ સુધીમાં સ્વચ્છ ભારત બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. ગુજરાત ઉપરાંત દેશના અન્ય ૧૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે સિક્કિમ, હિમાચલપ્રદેશ, કેરળ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દમણ અને દીવ, અરૂણાચલપ્રદેશ, છત્તીસગઢ અને મેઘાલયને પણ ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે એમ પેયજલ અને સ્વચ્છતા મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું.
સદનમાં રાખવામાં આવેલા નિવેદન અનુસાર આ સંદર્ભે ઝારખંડ રાજ્યનું પ્રદર્શન ૩૬.૯૪ ટકા રહ્યું હતું. રાજ્યના કુલ ર૯,૬૪૭ ગામોમાંથી ૧૦,૯પ૩ ગામોને ઓડીએફ જાહેર કરવામાં આવ્યા છે. નથવાણી દેશમાં અને ખાસ કરીને ગુજરાત અને ઝારખંડમાં ખુલ્લામાં શૌચની નાબૂદી માટેના મિશનમાં થયેલી પ્રગતિ, સ્વચ્છતાના સંદર્ભે રાજ્યો વચ્ચે તંદુરસ્ત હરિફાઈ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગેની માહિતી માંગી હતી. ગૃહમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દેશમાં સ્વચ્છતાના વ્યાપમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. સ્વચ્છતાનો વ્યાપ ર૦૧૪માં ૩૮.૭ ટકા હતો, જે ર૦૧૮માં વધીને ૭૭.રપ ટકા થયો છે. દેશના ૩૧૦ જિલ્લાઓ, ર,૭૭ર બ્લોક ૧,૩૮,૭૯૯ ગ્રામ પંચાયતો અને ૩,૧૪,૯૩૧ ગામોને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે એમ મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીના નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર વિકાસના એજન્ડામાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સરકારે ઓડીએફ ગામોમાં કેન્દ્ર સરકાર અનુદાનિત તમામ યોજનાઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. અન્ય વિકાસ યોજનાઓને સ્વચ્છતાના પરિણામો સાથે જોડી દેવામાં આવશે એમ મંત્રીએ જણાવ્યું હતું.