અમદાવાદ, તા.૧૫
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચાર દિવસ માટે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે આ ચાર દિવસ દરમ્યાન તેમણે તમામ મુલાકાતીઓ માટે તેમના ઘરના દરવાજા બંધ કરી દીધા છે. તમામ કાર્યકરોને આવવાની સૂચના આપી દેવાઈ છે. પરંતુ આજરોજ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના અધિકારીઓ અને બેંકના વકીલોએ ગૃહમંત્રી સાથે મુલાકાત કરી રાહુલ ગાંધી સામે કરેલા માનહાનિ કેસ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.
બદનક્ષી કેસમાં આવતા શનિવારે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે કેસની સુનાવણી હાથ ધરાશે. ત્યારે રાહુલ ગાંધી સામે કેસને લઈને અમિત શાહ સાથે એડીસી બેંકના અધિકારીઓ અને વકીલે ચર્ચા કરી હતી. ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે ત્યારે રાહુલ ગાંધી સામે ગાળિયો કસવા માટે રણનીતિ ઘડવામાં આવી હોય તેવી શક્યતા છે.
વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભા ચૂંટણી ટાણે રાહુલ ગાંધીએ વર્ષ ર૦૧૬માં લદાયેલી નોટબંધીના પાંચ દિવસમાં ૭૪૫ કરોડની ચલણી નોટો એડીસીમાં બદલી હોવાનું નિવેદન આપ્યું હતું. તેની સામે વર્ષ ર૦૧૯માં એડીસી બેંક દ્વારા રાહુલ ગાંધી અને પ્રવકતા રણદીપ સુરજેવાલા સામે મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો હતો. અગાઉ પણ રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહીને તેમના પર લાગેલા આરોપનો અસ્વીકાર કર્યો હતો.