(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૪
વડોદરા ખાતે જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે, સમગ્ર દેશની નજર ગુજરાતની ચૂંટણી ઉપર છે. દેશની આઝાદીમાં ગુજરાતનો સિંહફાળો છે. ગુજરાત મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઇનું રાજ્ય છે. નવ નિર્માણ આંદોલન વખતે હું અહીં આવ્યો હતો. ગુજરાત સદીઓથી દરેક ક્ષેત્રમાં આગળ છે. તેમને વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, કોઇ કહેતું હોય કે તેને વિકાસ કર્યો છે તો તે અતિરીક ગણાશે. ગુજરાતમાં સૌથી વધુ આદીવાસી ગરીબો રહેશે. આદીવાસી વિસ્તારોમાં જાવો તો ક્યાંક પણ આદીવાસીનું પાકુ મકાન જોવા નહીં મળે. આ વખતે ચૂંટણીમાં કચડાયેલા લોકોને મોકો છે તો મારી અપીલ છે કે, તેઓ અમારા પક્ષને જીત અપાવે, ગુજરાતમાં વાતોનું રાજ ચાલે છે ફકત વાયદા કરાય છે. જે પક્ષ વાયદા પુરા કરે તેને જ મત આપવો જોઇએ તેવી ગુજરાતની પ્રજાને અપીલ છે. ગુજરાતની જનતાને પરિર્વતન લાવવાનો મોકો છે જે જતો કરવો જોઇએ નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુપીની ચૂંટણીમાં જે રીતે ભાજપનો વિજય થયો છે. તે જોઇ લાગે છે કે, એવીએમમાં ગડબડ છે અને તેવું હવે દરેક લોકો માની રહ્યાં છે. જ્યાં બેલેટ પેપરથી મતદાન થયું તે બધે ભાજપ હાર્યું છે. અને એવીએમ માધ્યમમાં જીત્યું છે.