અમદાવાદ, તા.૨૩
ગુજરાતના શામળાજીમાં ગત બીજી મેના રોજ વતન જવા માંગતા ૪૦૦ જેટલા પરપ્રાંતિય મજૂરોની પોલીસ સાથે અથડામણ થઈ હતી જે મામલે પોલીસે ૧૫ જેટલા મજૂરોની ધરપકડ કરી હતી. જેમાં આઠ શ્રમિકો હિન્દુ સમુદાયના અને છ મજદૂરો મુસ્લિમ સમાજના હતા. જમિયત ઉલમાએ હિન્દ દ્વારા આ તમામ લોકોનો કેસ લડવામાં આવ્યો હતો. અને ભીલોડા કોર્ટમાં આ કેસ ચાલી જતાં તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જામીન પર મુક્ત થયા બાદ જમિયત દ્વારા આ તમામ લોકોને કોઈપણ ભેદભાવ વિના તેમના વતન ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા.
આ કેસની વિગત એવી છે કે, ગત બીજી મેના રોજ પોતાના વતન ઉત્તર પ્રદેશ જવા માગતાં ૪૦૦ પ્રવાસી મજૂરોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. મજૂરો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. અને વિવિધ ક્વોરન્ટાઈન કેન્દ્રોમાંથી ૧૫ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ૮ આરોપી હિન્દુ સમુદાયના અને છ મુસ્લિમ સમાજના હતા. જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત દ્વારા કોઈપણ ભેદભાવ વિના આ તમામ લોકોનો કેસ લડવામાં આવ્યો હતો. જમિયત વતી વકીવ રણવીરસિંહ ડાભી દ્વારા કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી.
જમિયત ઉલમાએ હિન્દ ગુજરાતના પ્રમુખ મુફ્તી અબ્દુલ કૈયુમએ જણાવ્યું હતું કે, ૧૮ દિવસ બાદ તમામ લોકો જામીન પર મુક્ત થયા હતી. ત્યાર બાદ મોડાસાની સ્કૂલમાં આ તમામ લોકોની રહેવાની અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ કોર્ટના નિર્દેશ મુજબ અને સ્થાનિક તંત્રની મંજૂરી બાદ આ પ્રવાસી મજૂરોને બસની વ્યવસ્થા કરી તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીના સમયમાં હિન્દુ-મુસ્લિમનો ભેદ કરનારા લોકો માટે આ ઘટના આંખ ઊઘાડનારી છે.