(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૬
રાજ્યમાં કૂપોષિત બાળકો માટે ભાજપ સરકાર દ્વારા વર્ષ ર૦૧૪-૧પમાં શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજના સદંતર નિષ્ફળ નિવડી હોવાનું બહાર આવ્યું છે. બાળકોને ઠંડું દૂધ મળી રહે તે માટેની આ યોજના વ્યવસ્થાના અભાવે નિષ્ફળ રહી હોવાનો કેગના અહેવાલમાં ખુલાસો થવા પામ્યો છે. આના પરથી જણાઈ આવે છે કે, ભાજપ સરકાર મોટા ઉપાડે યોજનાઓ જાહેર કરે છે. પરંતુ તેનો વ્યવસ્થિત રીતે અમલ નહીં થતાં લોકોને લાભ મળી શકતો નથી. ગુજરાત સરકારની યોજનાઓ અને તેમાં થતા ગોટાળાઓ કેગના ઓડિટ રિપોર્ટમાં દર વખતે ખુલ્લા પડી જાય છે. ગુજરાત સરકાર દ્વારા કુપોષિત બાળકો માટે શરૂ કરવામાં આવેલી દૂધ સંજીવની યોજના સદ્‌તંર નિષ્ફળ નીવડી હોવાનું આ વખતના રિપોર્ટમાં બહાર આવ્યું છે. રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના નિષ્ફળ હોવાનું કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે. શાળાના વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં કુપોષણ દર ઘટાડવા માટે થઈને આ યોજના અમલી બનાવાઈ હતી. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં રજૂ થયેલા કેગના ઓડિટ રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો. દુધ સંજીવની યોજના વર્ષ ૨૦૧૪-૧૫ શરૂ કરાઇ હતી પણ શાળામાં દુધ ઠંડુ રહે તેવી વ્યવસ્થાના અભાવે યોજના નિષ્ફળ ગઈ છે. પાંચ વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કુપોષિત બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દૂધસંજીવની યોજના શરૂ કરી હતી. અઠવાડિયાના પાંચ દિવસ ૨૦૦ મિલીગ્રામ ફલેવર્ડ દૂધ વિતરણ કરવા આ પાછળ દૈનિક બાળકદીઠ એક પાઉચના રૂા.૭.૫૦ના ધોરણે ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે .શૈક્ષણિક કાર્યના ૨૦૦ દિવસો સુધી આ યોજનાનો લાભ મળે છે.