(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
રાજ્યસભાની ખાલી પડી રહેલી બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તે અનુસંધાને ઉમેદવારી પત્રો ભરાવવાનો પણ પ્રારંભ થવા પામ્યો છે. ત્યારે ગુજરાતના ચાર સાંસદોની બેઠકો ખાલી પડી રહી હોઈ તે માટે હજુ સુધી એકપણ ફોર્મ ભરાયું નથી. રાજ્યની ચાર બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ કોને ફાઈનલ કરે તેની અટકળો વચ્ચે ભાજપ દ્વારા પોતાના બે ઉમેદવારોની આજે મોડેથી જાહેરાત કરી દેવામાં આવી હતી. એક તરફ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની કામગીરી હાથ ધરી દેવાઈ છે અને તે માટે તા.૧રમી માર્ચ સુધી ઉમેદવારી પત્રો ભરવાની તા. નિર્ધારિત કરાઈ છે. ત્યારે બીજી તરફ ભાજપ તથા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટેના પોતાના ઉમેદવારોની પસંદગી કવાયત હાથ ધરવામાં આવેલ છે. ગુજરાતમાંથી ચૂંટાયેલા ચારેય સભ્યો ભાજપના હતા જેમાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને શંકરભાઈ વેગડનો સમાવેશ થયો હતો. જેઓની મુદ્દત એપ્રિલમાં પૂર્ણ થઈ રહી હોઈ આ ચૂંટણી હાથ ધરાઈ રહી છે. દરમિયાન તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટતા ભાજપને હવે ચાર બેઠકો મળી શકે તેમ નથી. એટલે અગાઉથી જ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીને ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી લડાવવાનું અને બાકીના ત્રણ સાંસદો પૈકી કોઈ ક્યાંય તેવી અટકળો શરૂ થઈ જવા પામી હતી. ત્યારે ભાજપ દ્વારા અટકળોના દોર વચ્ચે આજે મોડેથી પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને રિપિટ કરવામાં આવ્યા છે જ્યારે અરૂણ જેટલીને ઉત્તરપ્રદેશથી લડાવવાની નિર્ધારિત કરવામાં આવેલ છે. ભાજપ દ્વારા જે દેશભરના આઠ ઉમેદવારની આજે જાહેરાત કરવામાં આવી છે. તેમાંના મોટાભાગના કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓનો સમાવેશ થાય છે એટલે કે આ મંત્રીઓને રિપિટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં શંકરભાઈ વેગડને પડતાં મૂકવામાં આવ્યા છે. સંખ્યાબળ જોતા બે બેઠકો કોંગ્રેસને ફાળે જાય તેમ ચોક્કસ મનાય છે. જો કે, શંકરભાઈ વેગડે પોતે ચૂંટણીમાંથી ખસી જતો પત્ર પણ લખ્યો હોવાનું જાણવા મળેલ છે.