અમદાવાદ, તા.ર૪
ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ ભારત સરકારના હજ અને લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને દિલ્હીમાં રૂબરૂ મળી ગુજરાતનો હજ ક્વોટા વધારવા, હજ દરમ્યાન હાજીઓની સુખ સગવડમાં વધારો થાય તેવા જરૂરી પગલાં ભરવા લેભાગુ ટુર ઓપરેટરો સામે કડક કાર્યવાહી કરવા અને હજયાત્રા સસ્તી બનાવવા પાણીના જહાજ દ્વારા હજયાત્રા શરૂ કરાવવા જેવી રજૂઆત કરી હતી.
ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ મુખ્તાર અબ્બાસ નકવીને રજૂઆત કરી જણાવ્યું હતું કે ચાલુ સાલે ગુજરાતમાંથી તેતાલીસ હજાર જેટલી રેકોર્ડ બ્રેક અરજીઓ આવી છે તેને ધ્યાને લેતાં ગુજરાતનો હજ ક્વોટા વધારવો જોઈએ. ઉપરાંત આ વર્ષથી હજ સબસીડી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી હોવાથી હાજીઓની હજ સસ્તી કેમ બને તેના ઉપાયો ઝડપથી શોધી કાઢવા જોઈએ. ચાલુ વર્ષથી જ જો દરિયાઈ માર્ગે પાણીના જહાજ દ્વારા હજ યાત્રા ચાલુ કરવામાં આવે તો હજ યાત્રા પ્રમાણમાં ખૂબ જ સસ્તી સાબિત થશે. આ ઉપરાંત હજ દરમ્યાન હાજીઓની સુખ સગવડમાં વધારો થાય તેવા જરૂરી તમામ પગલાં લેવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત સરકારની જરૂરી મંજૂરીઓ ન ધરાવતા કેટલાક પ્રાઈવેટ લેભાગુ ટુર ઓપરેટરો હજ ઈચ્છુક લોકોની હજમાં જવાની પ્રબળ ભાવનાઓ સાથે ખીલવાડ કરી બેફામ લૂટ ચલાવતા હોય છે. આવા ટુર ઓપરેટરો સામે કડક કાર્યવાહી કરવા પણ પ્રો.કાદરીએ અનુરોધ કર્યો હતો.
ગુજરાતનો હજ ક્વોટા વધારો તેમજ લેભાગુ ઓપરેટરો સામે કાર્યવાહી કરો

Recent Comments