કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી પાસે ચાલી રહેલા આંદોલનને ખેડૂતોનો ટેકો !
દિલ્હીના આંદોલનના રાજ્યમાં પડી રહેલા પડઘાથી સરકારની ચિંતામાં વધારો

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.રપ
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલ આંદોલન તીવ્ર બનતું જઈ રહ્યું છે. હવે આવતીકાલે ર૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતો પરેડ યોજવાના છે ત્યારે ગુજરાતના પણ ખેડૂતો તેમાં જોડાવાના હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. રાજયમાંથી ૧૦૦થી વધુ ટ્રેકટરો સાથે ખેડૂતો દિલ્હીની ટ્રેકટર રેલીમાં જોડાવવા રવાના થઈ રહ્યા હોવાની માહિતી આગેવાની લેનાર સંસ્થાના પ્રતિનિધિ પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.
દેશની રાજધાનીમાં ખેડૂત આંદોલન યથાવત રહ્યું છે. જ્યારે બીજી તરફ છેલ્લા ૫૦થી વધુ દિવસોથી કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર ચાલી રહેલ આંદોલન હેઠળ ખેડૂતો કૃષિ કાયદા રદ કરવાની માંગ પર અડગ છે. એટલું જ નહીં, ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતો કિસાન પરેડ યોજવા મક્કમ છે ત્યારે ગુજરાતમાંથી પણ ૧૦૦થી વધુ ટ્રેકટરો લઇને ખેડૂતો દિલ્હીમાં કિસાન પરેડમાં જોડાવવાના છે. જેના પગલે સરકાર તથા પોલીસની ઉંઘ ઉડી ગઇ છે. કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે ગુજરાતના ખેડૂતો પણ દિલ્હીમાં ચાલી રહેલાં આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. એટલુ જ નહીં, ગુજરાતના ૧ હજારથી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પર જઇ આંદોલનમાં સામેલ પણ થયાં છે. આ ઉપરાંત રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂત સંમેલન યોજવા આયોજન કરાયુ છે. ચારેક દિવસ પહેલાં જ ખેડૂત સંમેલનને લઇને કેટલાંક ખેડૂત નેતાઓની રાજકોટ પોલીસે અટકાયત પણ કરી હતી.
ગુજરાત સામાજિક મંચના નેજા હેઠળ ગુજરાતના ખેડૂતો દિલ્હી કિસાન પરેડમાં ભાગ લેશે. આંદોલનને ગુજરાત સામાજિક મંચે ટેકો આપ્યો છે. સંસ્થાના આગેવાનોનું કહેવુ છેકે, ખેડૂતો ઉપરાંત જુદા જુદા સામાજીક સંગઠનો, માલધારી,આદિવાસી,અનુ.જાતિના લોકો દિલ્હી જઈ રહ્યા છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ મળીને ૬૦૦થી વધુ લોકો ૧૦૦ ટ્રેકટરો સાથે કિસાન પરેડમાં ભાગ લેશે. અત્યારે તો પોલીસે પણ આંદોલનકારી ખેડૂતો ઉપરાંત સામાજીક સંગઠનો પર નજર રાખી છે. ચૂંટણી વખતે જ ખેડૂતોનુ આંદોલન વેગવાન બને તેવા એંધાણ વર્તાઇ રહયાં છે ત્યારે પોલીસ ચિંતિત બની છે.