મોડાસા, તા.૨૭
ગુજરાતમાંથી રાજસ્થાનમાં પ્રવેશતા ૧.૫ લાખ લોકોનું સૅનેટાઇઝિંગ અને સ્ક્રીનિંગ હાથ ધર્યું હતું. શામળાજી પોલીસ અને લોકોએ ચા-નાસ્તો અને ફૂડ પેકેટ આપ્યા હતા.
કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં બાંધકામ ઉદ્યોગ, નાના-મોટા કારખાના અને ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોનો મોટો સમૂહ ગુજરાત છોડી વતન તરફ પગપાળા પ્રયાણ કર્યું હતું કોરોના કહેરને પગલે રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો સીલ કરતા ગુજરાતમાંથી અંદાજે દોઢ લાખથી વધુ લોકો રાજસ્થાનમાં પ્રવેશતા સરહદ પર અટવાતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉદેપુર ખાતે દોડી આવી સ્થાનિક પ્રશાસન તંત્ર અને આરોગ્ય વિભાગને સૂચના આપી ગુજરાતમાંથી પ્રવેશતા તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરી સૅનેટાઇઝશન કરી પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથધરી હતી
રાજસ્થાનમાંથી ગુજરાત સહીત દક્ષિણ પ્રદેશના રાજ્યોમાં ધંધા-રોજગાર અને આજીવિકા માટે સ્થાયી થયેલા લોકો લોકડાઉનની જાહેરાત સાથે જ રાજસ્થાનીઓએ ખાનગી વાહનો અને જે વાહન મળ્યું તે લઇ અને પગપાળા વતન તરફ પ્રયાણ કરતા માર્ગો પર કીડિયારું ઉભરાયું હતું રાજસ્થાનની સરહદો સીલ હોવાથી લોકો રતનપુર ચેકપોસ્ટ નજીક અટવાયા હતા લોકડાઉનમાં હોટેલ,અને તમામ દુકાનો પણ બંધ રહેતા હાલત કફોડી બનતા શામળાજી મહિલા પીએસઆઈ એસ.એમ.પરમાર અન્નક્ષેત્રના સંચાલકો બાબુકાકા,નીતિન પંડ્યા સહિતના લોકોએ તમામ શ્રમિકો માટે પાણી ચા-નાસ્તા અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરી ખડેપગે ત્રણ દિવસ સુધી સેવા પૂરી પાડી રાજસ્થાનીઓને હૂંફ આપી હતી.