(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨
સુરતથી આજે ૧ર૦૦ જેટલા ઓડિસાવાસી કામદારોને લઇને ર૪ કોચની સ્પેશિયલ ટ્રેન ઓડિસા જવા માટે રવાના થઇ હતી. આ ટ્રેન આવતીકાલે મોડી સાંજ સુધીમાં જગન્નાથપુરી રેલવે સ્ટેશને પહોંચી જશે. આ ટ્રેનમાં સવાર કામદારોના ચહેરા ઉપર વતન પહોંચવાને લઇને એક પ્રકારની હાશકારાની લાગણી પ્રવર્તી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી ઓડિસાવાસી કામદારોને લઇને ઉપડનાર સ્પેશિયલ ટ્રેન સ્થાનિક પ્રશાસન અને રેલવે અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવે સુરત રેલવે સ્ટેશનથી નિકળી શકી ન હતી. આ ટ્રેન આજે સાંજે ૪ઃર૦ કલાકે સુરત રેલવે સ્ટેશનથી ઉપડી હતી અને જગન્નાથપુરી સ્ટેશન સુધી પહોંચશે. આવતીકાલે મોડી સાંજ સુધીમાં સુરતથી ૧ર૦૦ જેટલા શ્રમિકોને લઇને ઉપડેલી આ ટ્રેન ઓડિસા પહોંચી જશે. ટ્રેનમાં સવાર યાત્રીઓ માટે ચા-પાણી નાસ્તા સહિત જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરત મનપા કમિ. બંછાનિધી પાની દ્વારા પોતાના વતનના લોકો માટે પાંડેસરા વિસ્તારના પિયુષ પોઇન્ટ પાસેથી બી.આર.ટી.એસની ૪૦ જેટલી બસોની વ્યવસ્થા ગોઠવી હતી. તમામને વિનામુલ્યે સ્ટેશન સુધી લઇ જવાયા હતા.