કોરોનાથી મોતનો આંકડો વધતા લોકોમાં ચિંતાનો માહોલ
• કોરોનાના ૩૧૮ નવા કેસ અને આઠ દર્દીનાં મોત સાથે અમદાવાદ મોખરે, સુરતમાં નવા ર૧૩ કેસ • રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૯૭,૪૧ર થયો

અમદાવાદ, તા.રર
રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેને પગલે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. અમદાવાદમાં વધુ ૩૧૮ નવા કેસ સાથે રાજ્યમાં વધુ ૧૪૯પ કોરોનાના કેસ નોંધાયા છે. એટલે રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંકડો ૧.૯૭ લાખને પાર થઈ ગયો છે. જ્યારે મોતનો આંકડો અચાનક વધી ગયો છે. રવિવારે વધુ ૧૩ દર્દીને કાળમુખો કોરોના ભરખી ગયો છે. જેને પગલે રાજ્યમાં કોરોનાથી મોતનો કુલ આંકડો ૩૮પ૯ થયો છે.
વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૪૯૫ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૯૭,૪૧૨એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૩ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૮૫૯એ પહોંચ્યો છે. જ્યારે ૧૧૬૭ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૧૬ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૬૩,૯૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૩૧૮, સુરત કોર્પોરેશન ૨૧૩, વડોદરા કોર્પોરેશન ૧૨૭, રાજકોટ કોર્પોરેશન ૯૧, મહેસાણા ૬૦, ગાંધીનગર કોર્પોરેશન ૫૭, રાજકોટ ૫૪, સુરત ૫૩, વડોદરા ૩૯, ગાંધીનગર ૩૭, કચ્છ ૩૧, પાટણ ૩૦, બનાસકાંઠા ૨૮, જામનગર કોર્પોરેશન ૨૫, પંચમહાલ ૨૪, અમદાવાદ ૨૩, ખેડા ૨૩, સાબરકાંઠા ૨૧, ભાવનગર કોર્પોરેશન ૨૦, મહીસાગર ૨૦, અમરેલી ૧૭, સુરેન્દ્રનગર ૧૬, આણંદ ૧૫, અરવલ્લી ૧૫, દાહોદ ૧૫, જામનગર ૧૫, જુનાગઢ ૧૫, મોરબી ૧૫, ગીર સોમનાથ ૧૪, ભરૂચ ૧૩, જુનાગઢ ૧૨, તાપી ૧૨, નર્મદા ૮, દેવભૂમિ દ્વારકા ૪, નવસારી ૪, ભાવનગર ૩, બોટાદ ૩, છોટા ઉદેપુર ૩, પોરબંદર ૨ કેસ સામે આવ્યા છે.
જો કે મોતની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં ૧૩ દર્દીનાં મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન ૮, સુરત કોર્પોરેશન ૨, બનાસકાંઠા ૧, ભાવનગર ૧, ગાંધીનગર ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. ગઈ કાલે શનિવારે મોતનો આંકડો ૯ હતો. ત્યારે રવિવારે અચાનક મોતનો આંકડો વધી ગયો હતો. ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ ૧,૭૯,૯૫૩ નાગરિકો સાજા થઈ ગયા છે. ૩૮૫૯નાં મૃત્યુ થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૩,૬૦૦ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૩ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૩,૫૦૭ સ્ટેબલ છે.