(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૩
ગુજરાત કોંગ્રેસની સ્થિતિને જોતાં હાઈકમાન્ડ કંઈક ફેરફાર કરવા કમર કસી રહ્યું હોય તેમ જણાય છે. રાજયમાં આગામી સમયમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે તેને લઈને કંઈક ફેરફાર થવાની વાત વચ્ચે અટકળો શરૂ થઈ જવા પામી છે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષના નેતાને બદલવાની પણ વાતો વહેતી થઈ છે. ત્યારે આગામી સમયમાં કંઈક નવાજૂનીની થાય તેમ મનાય છે. કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવવા અથવા કોઈ ખાસ જવાબદારી સોંપવાનો ઈશારો પ્રભારી તરફથી રાજયસભાની ચૂંટણી વખતે કરાયો હતો. પરંતુ હાલમાં તેઓ બીમાર હોઈ તેમના સ્વસ્થ થયા પછી કંઈક થાય તેવી શકયતા જોવાય છે. પાછલા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસને રાજીનામાના ઝાટકા ખાવા પડી રહ્યા છે. આવામાં પાર્ટીમાં કેટલાક મોટા ફેરફાર થાય તેવા એંધાણ વર્તાવાના શરૂ થઈ ગયા છે. પેટાચૂંટણી પહેલા ગુજરાતના કોંગ્રેસના મોટા માથાઓને સોંપવામાં આવેલી જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી લઈને મોટી જવાબદારીઓ સોંપાઈ છે તેમના સ્થાને કોઈ નવા ચેહેરાને કામગીરી સોંપવામાં આવી શકે છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, રાજ્યમાં પેટાચૂંટણીઓ યોજાય તે પહેલા હવે કોઈ વધારે ફટકા કોંગ્રેસને ના પડે અને આગામી સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બને તેને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. જેમાં પ્રદેશ પ્રમુખથી લઈને વિપક્ષના નેતાના પદ પર કોઈ નવા ચહેરાને જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિથી ખરાબ થઈ રહી છે જેના કારણે હાઈ કમાન્ડ નાખુશ હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. વારંવાર કોંગ્રેસમાં પડી રહેલા ભંગાણના કારણે આગામી સમયમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા વિચાર્ણા કર્યા બાદ હાઈ કમાન્ડ કોઈ મોટો નિર્ણય લેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામેની નારાજગીની અટકળો મુદ્દે પણ ચર્ચા બાદ કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ બેઠક કે આ પ્રકારના મુદ્દા અંગે સત્તાવાર રીતે વાત થઈ નથી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, પ્રદેશ પ્રમુખ અથવા વિરોધ પક્ષના નેતા બન્નેમાંથી એકની હકાલપટ્ટી કરીને તેમના સ્થાન પર કોઈ અન્ય નેતા કે કાર્યકર્તાને જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો આ પછી પણ સ્થિતિમાં સુધાર ના આવ્યો તો બન્ને મહત્વના પદની જવાબદારીઓ કોઈ નવા ચહેરાને સોંપવામાં આવી શકે છે. જોકે આ અંગે કોણ રેસમાં આગળ છે તે અંગે કોઈ સ્પષ્ટ નામ સામે આવ્યા નથી.