(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
શિક્ષણના અધિકાર કાયદાનો અસરકારક અમલ કરવા તેમજ ફીના નામે વાલીઓ અને વિદ્યાર્થીઓની બેફામ લૂંટ કરાઈ રહી છે તે બંધ કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકામાં રાજ્યવ્યાપી ધરણા અને દેખાવો કરવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા રર વર્ષના ભાજપના શાસનમાં શિક્ષણની ભારે અધોગતિ થઈ છે. કોંગ્રેસ શાસનમાં ગુજરાત રાજ્ય દેશમાં શિક્ષણ ક્ષેત્રે ૯મા અને ૧૧મા ક્રમાંકે ધરાવતું હતું તે ભાજપ શાસનમાં ૧૯ અને ર૧મા ક્રમાકે ધકેલાઈ ગયું છે. ત્યારે અમદાવાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ધરણા કરાયા તે વખતે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપ સરકારે અપનાવેલ શિક્ષણના વ્યાપારીકરણની નીતિના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ છોડી દેવાની ફરજ પડી રહી છે. છેલ્લા ર૦ વર્ષમાં રાજ્યમાં બહુ જૂજ સંખ્યામાં ગ્રાન્ટ ઈન એઈડ સ્કૂલોને પરવાનગી આપવામાં આવી છે. તેના કારણે ફીના નામે લૂંટ ચલાવતી ખાનગી સ્કૂલો અને કોલેજોને વાલી અને વિદ્યાર્થીઓને લૂંટવાનો છૂટો દોર મળી ગયો છે. રાજ્યમાં ફિક્સ પગારથી આર્થિક શોષણ પ્રથાથી અનુભવી અને નિવડેલા શિક્ષકો રાજ્યની સ્કૂલોથી દૂર જઈ રહ્યા છે. ઊંચી ફી ઉઘરાવતી સંસ્થાઓ દ્વારા અપૂરતા અને અધૂરા ક્વોલિફિકેશનવાળા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે. યુપીએ સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટોમાંથી વસાવેલા કોમ્પ્યુટર છે પરંતુ તેમને ચલાવે તેવા અનુભવી શિક્ષકો નથી. રાજ્યમાં પ૦ ટકાથી વધારે વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં શાળાઓના ઓરડા તેમજ બ્લેક બોર્ડ અને બેન્ચ પણ નથી તેમજ શૌચાલયો, પીવાના પાણી સુવિધા, રમત-ગમતના મેદાનો પણ નથી. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની મૂળભૂત માળખાકીય સગવડોમાં ભારે ઘટ હોવા છતાં ભાજપના નેતાગણ દ્વારા ફક્ત સ્વપ્નસિદ્ધિ માટે ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા તાયફાઓ કરીને શિક્ષણનું બજેટ વેડફી નાંખવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની સંચાલકો સાથેની સાંઠગાંઠને કારણે ખાનગી સ્કૂલોમાં પ્રાથમિકથી લઈ માધ્યમિક શિક્ષણમાં ભારે ફી ઉઘરાવવામાં આવી રહી છે અને બેરોકટોક તેમાં ભારે વધારો કરીને વિદ્યાર્થી-વાલીઓની લૂંટ ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તતા ભારે ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને ફીની લૂંટને કાબૂમાં લેવાને બદલે ભારતીય જનતા પાર્ટી અને તેમના મળતિયાઓ દ્વારા આ તમામ બાબતોને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. ફી નિયમન અને આરટીઈના કાયદાનું છેડચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે અને રાજ્યમાં કોઈ સરકાર જ ન હોય તેવી અરાજકતાભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.