અમદાવાદ, તા.૮
રાજ્યમાં કોરોના મહામારીનો કેર યથાવત છે. લોકોમાં હજુ પણ કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે દેશમાં કોરોનાની સાથે-સાથે કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂના પણ કેસ સામે આવ્યા છે. જો કે અત્યાર સુધી ગુજરાતમાં બર્ડ ફ્લૂનો કેસ સામે આવ્યો ન હતો ત્યારે શુક્રવારે રાજ્યમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાતમાં બર્ડ ફ્લૂએ પગ પેસારો કર્યો છે. કોરોના મહામારી વચ્ચે દેશભરમાં અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ સતત સામે આવી રહ્યા છે જેમાં હવે ગુજરાત પણ બાકાત નથી રહ્યું. થોડા સમય પહેલા માણાવદરમાં કેટલાક પક્ષીઓના શંકાસ્પદ મોત થયા હતા. જેને લઈને તંત્રની ચિંતા વધી હતી અને તમામ મૃત પક્ષીઓના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટ માટે ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેમના રિપોટ્‌ર્સ આજે પોઝિટિવ આવ્યા છે. માણાવદરમાં બર્ડ ફ્લૂના પોઝિટિવ કેસને લઈને વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે.
રાજ્યભરમાં બર્ડ ફ્લૂની ચેતવણીને લઈને જૂનાગઢ પશુપાલક વિભાગ સક્રિય બન્યું છે અને મરઘા ઉછેર કેન્દ્રના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં આવેલા તમામ મરઘા ઉછેર કેન્દ્ર તેમજ ડેમ વિસ્તાર અને નદી કાંઠે દેખાતા પક્ષીઓના નમૂના લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, બાંટવા માણાવદરમાં મૃત્યુ પામેલા પક્ષીઓના સેમ્પલ મધ્યપ્રદેશ ખાતે ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમ નજીક ૪૬ ટીટોડી, ૩ બગલી સહિત કુલ પ૩ જેટલા પક્ષીઓના મૃતદેહ મળી આવતા તંત્ર તાત્કાલિક અસરથી હરકતમાં આવી ગયું હતું.