અમદાવાદ એસજી હાઈવે પરના બે નવા ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય મંત્રી શાહ દ્વારા ઈ-લોકાર્પણ
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૩૦
અમદાવાદમાં બે નવા ફલાયઓવર બ્રિજનું આજે ઈ-લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં કોરોનાના સમયમાં પણ વિકાસની ગતિ રોકાઈ નથી. તેમ જણાવતા ગુજરાતની જીડીપીની પહેલા જેવી સ્થિતિ આગામી સમયમાં ઝડપથી હાંસલ કરી લેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આગામી સમયમાં દેશભરમાં કદાચ નોઈડા પછી પ્રથમવાર ગુજરાતમાં સરખેજથી ચિલોડા સુધી ટ્રાફિક જંકશન વિના સીધા જ પહોંચી શકાય તેવો માર્ગ તૈયાર થવા જઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રૂા.૭૧ કરોડના ખર્ચે નવનિર્મિત અમદાવાદના એસ.જી. હાઈવે પરના સિંધુભવન ચાર રસ્તા અને સાણંદ જંકશન પરના નવા બે ફલાયઓવર બ્રિજનું આજે કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે ગુજરાતે કોરોના સંક્રમણ વચ્ચે પણ વિકાસ રફતાર જાળવી રાખી છે. આજે રાજયમાં વીજ ખપત કોરોના પહેલાના સમય જેટલી થઈ ગઈ છે. એટલું જ નહીં ગુજરાત આવનારા દિવસોમાં પહેલા જેટલો જ જી.ડી.પી. રેટ પણ હાંસલ કરી લેશે. એવો વિશ્વાસ દર્શાવતા તેમણે કહ્યું કે વડાપ્રધાને કોરોનાની આ મહામારીની સ્થિતિની અસર દેશના અર્થતંત્ર પર ના પડે તે માટે આગવી દુરદર્શિતા દાખવીને પોલિસી મેકીંગ કર માળખું ઈન્ડસ્ટ્રીયલ સેકટર સહિત અનેક ક્ષેત્રોમાં સુધારા રિફર્મ લાવી દેશને આગળ વધાર્યો છે. ગુજરાતને જયારે પણ જરૂર પડશે ત્યારે કેન્દ્ર સરકાર ચટ્ટાનની જેમ ગુજરાત સરકારની પડખે ઉભી છે તેમ જણાવી કોરોનાના કાળમાં પણ ગુજરાતે અદભૂત માળખાકીય વિકાસ સાધ્યો છે તેની તેમણે પ્રશંસા કરી હતી. અમિત શાહે આ ફલાયઓવરની સાથે અન્ય ફલાયઓવર પણ બનશે જેનાથી રોકટોક વગરના પ૦ કિલોમીટરના રોડ પર ટ્રાફિક સિંગ્નલ ન આવે તેવા પ્રકારની સુવિધા દેશમાં નોંઈડા પછી પ્રથમવાર ગુજરાતમાં ઉભી થઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મોટા રેલવે સ્ટેશન, સાગર કિનારાને દેશ સાથે જોડવા માટે ગુજરાતમાં અભૂતપૂર્વ કાર્ય કરવામાં આવ્યું છે સમગ્ર દેશમાં ગુજરાત રાજય વિકાસ કાર્યોથી દેશમાં અગ્રેસર છે તે માટે રાજય સરકારને તેમણે અભિનંદન આપ્યા હતા.
ત્રણ-ચાર વર્ષમાં ગુજરાત દેશનું પ્રથમ ફાટક મુક્ત રાજ્ય બનશે : ડે. સી.એમ.
ગુજરાત પ્રથમ રાજ્ય જ્યાં નેશનલ હાઈવે પર ટોલ ભરવો નહીં પડે !
ફલાયઓવર બ્રિજના લોકાર્પણ પ્રસંગે ડે.સી.એમ નીતિન પટેલે ગુજરાતને એવું પ્રથમ રાજય બનવા જઈ રહ્યું છે કે જયાં હાઈવે પર ટોલ ભરવો નહીં પડે તેમ જણાવતા દાવો કરતા કહ્યું હતું કે, આગામી ત્રણ ચાર વર્ષમાં ગુજરાત દેશનું પ્રથમ ફાટકમુકત રાજય બનશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ભારત સરકારના નિયમ મુજબ નેશનલ હાઈવે પર ટોલ લેવાનો હોય છે. અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરી અમદાવાદ ગાંધીનગર એક જ શહેર છે માત્ર નામ અલગ છે. સતત લોકોની અવરજવર હોવાથી ટોલ લેવું યોગ્ય નથી અને કેન્દ્ર સરકારે કોઈપણ ટોલ ન લેવાની મંજુરી આપી. ગુજરાત પહેલુ રાજ્ય હશે જેમાં ટોલ નહી લેવાય. ૧૫ હજાર કરોડ રૂપિયાના માર્ગ મકાન દ્વારા પ્રોજેક્ટ સાથે તમામ લોકોને રોજગારી મળે તેનો પ્રયાસ ગુજરાતમાં ભારત સરકારના સહયોગથી ચાલે છે. ત્રણ ચાર વર્ષમા ફાટક મુક્ત રાજ્યમા ગુજરાત પહેલુ રાજ્ય બનશે- નીતિન પટેલઆ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ૯૬૫ કરોડનો ઓખાથી બેટ દ્વારકા પુલ બનાવવાનું કામ ટૂંક સમયમાં પતી જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, રેલવે મંત્રીને વાત કરીને ગુજરાતને ફાટક મુક્ત બનાવશે. ૭૪૦૦ કરોડના ખર્ચે ગુજરાત ફાટક મુક્ત બનશે. નગરપાલિકા અને કોર્પોરેશનની ગ્રાન્ટ આપીને શહેરમાંથી જે રેલવે લાઈન પસાર થાય છે તેને ઓવરબ્રિજ કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાતમાં ૬૮ જેટલા ઓવરબ્રિજ બનશે.
Recent Comments