અમદાવાદ, તા.રર
રાજ્યમાં છેલ્લા એકાદ સપ્તાહથી સતત વધી રહેલા કોરોનાના કેસમાં સોમવારે મોટો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ છે. ગુજરાતમાં પણ વુહાનવાળા કોરોના વાયરસની લહેર ફરી વળી છે. ત્યારે સરકાર અને તંત્ર બંનેની ચિંતાઓ વધતાં બધા જ દોડતા થઈ ગયા છે. જ્યારે લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સોમવારે રેકોર્ડબ્રેક ૧૬૪૦ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કેસની આ સંખ્યા અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. જ્યારે આજે કોરોનાથી ૪ દર્દીઓનાં મોત નિપજ્યા છે.
રાજ્યમાં આજે કોવિડ-૧૯ના ૧૬૪૦ કેસ નોંધાતા ભારે ચિંતા ઊભી થઈ છે. આ કદાચ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આજે વધતા કેસની સાથે ૧૧૧૦ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને પોતાના ઘરે પહોંચ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૨,૭૬,૩૪૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. પરંતુ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો ઘટી ગયો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાતમાં સાજા થવાનો રેસિયો ૯૫.૭૪ ટકાએ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨,૭૬,૩૪૮ દર્દીઓ સાજા થયા છે, જ્યારે આજે વધુ ૪ દર્દીનાં મોત થયા છે. આજે અમદાવાદમાં ૪૮૩ કેસ અને ૨નાં મોત, જ્યારે સુરતમાં ૪૮૩ કેસ અને ૨નાં મોત થયા છે. વડોદરામાં ૧૫૯ અને રાજકોટમાં ૧૫૨ કેસ, ભાવનગરમાં ૩૨ અને જામનગરમાં ૨૮ કેસ, ગાંધીનગરમાં ૧૯ અને જૂનાગઢમાં ૧૧ કેસ, ખેડામાં ૪૧, દાહોદ-પંચમહાલમાં ૨૩-૨૩ કેસ, કચ્છ-મોરબીમાં ૧૭-૧૭, નર્મદામાં ૧૬ કેસ, પાટણમાં ૧૫, ભરૂચમાં ૧૪, મહેસાણામાં ૧૨ કેસ, અમરેલીમાં ૧૦, આણંદમાં ૯, ગીર-સોમનાથમાં ૮ કેસ, નવસારીમાં ૮, સાબરકાંઠા-સુરેન્દ્રનગરમાં ૭-૭ કેસ, તાપીમાં ૭, બનાસકાંઠામાં ૬, છોટાઉદેપુરમાં ૪ કેસ, મહિસાગરમાં ૪, દ્વારકા-વલસાડમાં ૩-૩ કેસ, અરવલ્લીમાં ૨, બોટાદ-ડાંગમાં ૧-૧ કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે કોવિડ-૧૯ના કારણે કુલ ૪ લોકોનું દુઃખદ અવસાન થયું છે, જેમાં અમદાવાદ અને સુરત મહાનગરપાલિકામાં ૨-૨ લોકોનાં મોત થયા છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો કુલ ૭૪૪૭ એક્ટિવ કેસ છે, જેમાંથી ૭૩ લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી રાજ્યમાં ૪૪૫૪ દર્દીઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે.