(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
સમગ્ર વિશ્વને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોના વાયરસ ગુજરાતમાં પણ હાહાકાર સર્જી રહ્યો છે. રાજ્યભરમાં જે રીતે કોરોના પોઝિટિવના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તેને લઈને સરકારી તંત્રની ચિંતામાં વધારો થવા સાથે લોકોમાં ભયની લાગણી ફેલાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં વિસ્ફોટક રીતે કોરોના વાયરસના ર૦૦ જેટલા પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા જ્યારે આજે પણ પોઝિટિવ કેસોમાં ઉછાળો જારી રહેતા રાજ્યમાં વધુ નવા ૯૦ કેસ બહાર આવવા પામ્યા છે. જેમાં આજે પણ કોરોના હોટસ્પોટ અમદાવાદ આગળ રહેતા ૪૬ પોઝિટિવ કેસ નોંધાયા છે તો હવે વડોદરામાં પણ કેસોનો ઉછાળો બે દિવસથી વધી રહ્યો છે જેમાં આજે વધુ ૩૬ કેસ નોંધાતા રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસોનો આંક ૪૬૮ ઉપર પહોંચવા પામ્યો છે. જ્યારે આજે દિવસ દરમિયાન કોરોનાના લીધે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થવા પામ્યા છે જેથી રાજ્યનો કોરોનાનો કુલ મૃત્યુઆંક રર થયો છે તો બીજી તરફ રાજ્યમાં કોરોનાની સારવાર બાદ સાજા થનારાનો સિલસિલો જારી રહેતા વધુ ૧૧ દર્દી સાજા થવાનો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કોરોનામાંથી ડિસ્ચાર્જ દર્દીઓનો આંક ૪૪ થવા પામ્યો છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના પોઝિટિવના કેસોમાં થઈ રહેલો ઉછાળો અને તેમાં પણ બધા જ કેસો લોકલ ટ્રાન્સમિશન ચેપના બહાર આવી રહ્યા હોઈ કોરોના વાયરસ રાજ્યમાં ગંભીર તબક્કા તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાય છે ત્યારે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ભયને લઈ સરકારી તંત્ર દ્વારા પોઝિટિવ કેસોના વિસ્તારમાં કલસ્ટર કન્ટેન્મેન્ટ કામગીરી હાથ ધરવા સહિતના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં જ ર૦૦ જેટલા કેસોનો એકીસાથે વિસ્ફોટક રીતે ઉછાળો નોંધાયો છે અને આવી જ કંઈક સ્થિતિ આજે પણ જારી રહેતા એક જ દિવસમાં ૯૦ પોઝિટિવ કેસો રાજ્યમાં ફરી બહાર આવ્યા છે. આમ આજ સાથે ત્રણ દિવસમાં જ રાજ્યમાં ર૮ર પોઝિટિવ કેસ વધી જવા પામ્યા છે. રાજ્યમાં કુલ કેસો ૪૬૮ થતાં તેમાં સૌથી વધુ એટલે કે અડધા ભાગના કેસો એકલા અમદાવાદના ર૪૩ નોંધાયા છે. તે પછીના ક્રમે વડોદરામાં ૯પ કેસો થવા પામ્યા છે.
રાજ્યમાં કોરોનાના લીધે આજે વધુ ત્રણ જણાંના મૃત્યુ થયેલ છે જેમાં ત્રણેય દર્દી અમદાવાદના છે. એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ૬પ વર્ષીય પુરૂષનું મૃત્યુ નિપજ્યું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ૭૦ વર્ષીય વૃદ્ધ અને અન્ય એક ૬પ વર્ષીય પુરૂષનું મૃત્યુ થયેલ છે. આ દર્દીને ડાયાબિટીસની પણ બીમારી હોવાનું હોસ્પિટલ વર્તુળોએ જણાવેલ છે. આમ આ વધુ ત્રણ મોત સાથે અમદાવાદમાં કોરોનાનો મૃતાંક ૧૦ થયો છે અને રાજ્યમાં કુલ મૃત્યુઆંક રર થવા પામ્યો છે.
જ્યારે કોરોનાના ફેલાઈ રહેલા ભય વચ્ચે કોરોના પોઝિટિવ કેસો સારવાર દરમિયાન સાજા થઈ રહ્યાની વિગતો રાહત આપી રહી છે જેમાં આજે વધુ ૧૧ દર્દીઓ કોરોનામુક્ત થવા પામ્યા છે જેમાં ગાંધીનગરના ત્રણ દર્દીઓ પ્રથમ પ૩ વર્ષીય પુરૂષને જીએમઈઆરએસ હોસ્પિટલમાંથી તથા ૩પ વર્ષીય યુવાન અને અન્ય એક ૪૮ વર્ષીય મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી સારું થતાં રજા આપવામાં આવી છે. તે પછી ભાવનગરમાંથી બે મહિલા દર્દીઓને સર.ટી.હોસ્પિટલમાંથી સાજા થતાં રજા અપાઈ છે જેમાં એક પપ વર્ષીય મહિલા અને બીજી ૩૪ વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે. પોરબંદરમાં પણ જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાજા થયેલ ૩પ વર્ષીય યુવાન અને ર૭ વર્ષીય યુવતીને રજા આપવામાં આવી છે. એ જ રીતે સુરતમાં પણ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ૬ર વર્ષીય પુરૂષ તથા ર૬ વર્ષીય યુવાન કોરોના મુક્ત થતાં રજા અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદથી એસવીપી હોસ્પિટલમાંથી ૩૮ વર્ષીય યુવાનને અને રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાંથી ૩૭ વર્ષીય યુવાનને સારવાર બાદ કોરોના મુક્ત થતાં રજા આપવામાં આવી છે. આમ આજે ૧૧ દર્દીઓને રજા અપાતા રાજ્યમાં કુલ કોરોનામાંથી ડિસ્ચાર્જ મેળવનારાનો આંક ૪૪એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૯૭૬૩ સેમ્પલ લેબ ટેસ્ટ માટે હાથ ધરાયા હતા જેમાંથી ૮૮૮૮ નેગેટિવ આવેલ છે અને ૪૬૮ પોઝિટિવ આવ્યા છે જ્યારે હજુ ૪૦૭ના રિપોર્ટ પેન્ડીંગ છે. આ પૈકી છેલ્લા ર૪ કલાકમાં જ રાજ્યમાં ર૦૪પ સેમ્પલ ટેસ્ટ હાથ ધરાયા હતા જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે જેમાંથી ૯૦ પોઝિટિવ અને ૧પ૪૮ નેગેટિવ આવ્યા છે. છેલ્લા બે-ચાર દિવસથી રાજ્યમાં લેબ ટેસ્ટ વધવા પામ્યા છે.
રાજ્યભરમાં કોરોનાને પગલે કુલ ૧ર૦૪ર લોકોને ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવેલ છે જેમાંથી ૧૦૭૩પ લોકો હોમ ક્વોરન્ટાઈનમાં, ૧૧૩પ સરકારી ફેસેલિટી ખાતે અને ૧૭રને ખાનગી ફેસેલિટી ખાતે ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં આજે પણ બહાર આવેલ કેસોમાં બધા જ લોકલ ટ્રાન્સમિશન ચેપના હોઈ હવે કોરોના ભયજનક સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. રાજ્યના કુલ ૪૬૮ પૈકી ૪૦૩ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ર૦૧ કેસ છે. કોરોનામાં મરણના મામલામાં પણ સૌથી વધુ લોકલ ટ્રાન્સમિશન ચેપના ૧૬ દર્દીનાં મોત થયેલ છે. લોકલ ટ્રાન્સમિશનના વધતા કેસોને પગલે સરકારી તંત્ર દ્વારા વધુ કેસોના વિસ્તારમાં કલસ્ટર કન્ટેન્મેન્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના પાંચ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કુલ રર કલસ્ટર કન્ટેન્મેન્ટમાં ૧૩૮ ટીમો સઘન સર્વે વગેરેની કામગીરી કરી રહી છે. આમ આ પાંચ શહેરની એક લાખ જેટલી વસ્તીનું કલસ્ટર કન્ટેન્મેન્ટ હેઠળ આવરી લેવામાં આવી છે.

રાજ્યના ૮ જિલ્લામાં ર૪ કલાકમાં ૯૦ કેસો નોંધાયા

શહેર કેસ
અમદાવાદ ૪૬
વડોદરા ૩૬
ભરૂચ ૦૧
ગાંધીનગર ૦૧
છોટાઉદેપુર ૦૧
સુરત ૦૧
આણંદ ૦૩
ભાવનગર ૦૧
કુલ ૯૦