(સંવાદદાતા દ્વારા) પાવીજેતપુર,તા.૧૦
છોટાઉદેપુર જિલ્લામાં ક્વાંટ ખાતે કોંગ્રેસનું સ્નેહમિલન સંમેલન યોજાયું હતું. જેમા પૂર્વ રેલ મંત્રીએ જનસેવા કેન્દ્રોને લૂંટ કેન્દ્રો ગણાવ્યા હતા.
ક્વાંટ ખાતે કોંગ્રેસ દ્વારા જેતપુર વિધાનસભા મતવિસ્તારનું સ્નેહમિલન સંમેલન યોજાયું હતું. જેમાં મોહનસિંહ રાઠવા, અશોક પંજાબી, નારણ રાઠવા, ઉમેશ શાહ, સંગ્રામ રાઠવા તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં વિવિધ આગેવાનોએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઘેર બેસાડી દેવાની હાકલ કરી હતી.
આ સંમેલનમાં પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેઓએ પોતાના ભાષણમાં ભાજપાના લોકોએ જનસેવા કેન્દ્રને લૂંટસેવા કેન્દ્ર બનાવી દીધાનો આક્ષેપ કર્યો હતો.
નારણભાઈ રાઠવાએ પોતાના ભાષણમાં જણાવ્યું કે ભાજપ સરકારે ફેંસીંગ તારની વાડનો કાયદો બનાવ્યો છે તેમાં ૩૦ એકર જમીનવાળા ખેડૂતોને લાભ આપવાનો છે. આપણા વિસ્તારમાં તો એક, બે, ત્રણ કે બહુ રે તો પાંચ એક જમીન હોય, તો એવા ખેડૂતો ક્યાંથી લાવવા. સરકારે એવો કાયદો બનાવ્યો અને આપણને કોણીએ ગોળ ચોટાડી આપ્યો છે જે ના ચાટી શકાય કે ના ખાઈ શકાય.