અમદાવાદ, તા.૧૪
દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાએ ગુજરાતને પણ ભરડામાં લીધું છે. જ્યારે બીજી તરફ કાળ-ઝાળ ગરમી પણ દેકારો બોલાવી રહી છે. જેને લઈને લોકો ત્રસ્ત થઈ ઊઠ્યા છે. આ બધાની વચ્ચે વરસાદના સમાચાર થોડી રાહત પહોંચાડે તેવા છે. નૈઋત્યનું ચોમાસું હવે થોડા દિવસોમાં બેસવાની તૈયારીમાં છે. એક અંદાજ અનુસાર આંદમાન અને નિકોબાર ટાપુ પર ચોમાસુ એક અઠવાડિયાના સમયમાં આવી પહોંચે તેવી શક્યતા છે અને ત્યારબાદ ૧૦થી ૧પ જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસે તેવી શક્યતા છે. ચોમાસાને લઈને થયેલી આગાહી અનુસાર ૧૮ મે આસપાસ ચોમાસુ અંદબાન પોર્ટ બ્લેર પર પહોંચી શકે છે. આ વર્ષે ચોમાસુ સમયસર બેસે તેવું દેખાઈ રહ્યું છે, તો બીજી તરફ લો-પ્રેશરના કારણે કેટલીક જગ્યાઓ પર વાવાઝોડાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં સાતમી જૂને ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, નિશ્ચિત તારીખ કરતા બે દિવસ વહેલાં ચોમાસાની શરૂઆત થશે. ત્યારે ગુજરાતમાં ચોમાસુ ત્રણથી સાત દિવસ મોડું થઈ શકે છે. ગુજરાતમાં આ વખતે ચોમાસુ વહેલું બેસવાની શક્યતા છે. ત્યારે આ વખતે ચોમાસુ સારૂં રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે કેટલાક સ્થળોએ કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે.