અમદાવાદ, તા.૧૩
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલ હિમવર્ષાને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જ્યારે ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાતા પવનોને પરિણામે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજ્યમાં અનેક સ્થળોએ તાપમાનનો પારો ગગડી ગયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ૭.૮ ડિગ્રી થઈ જતાં લોકોએ કાતિલ ઠંડીનો સામનો કર્યો હતો. છેલ્લા ૨ દિવસમાં રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોનું તાપમાન ઘટ્યું છે. કચ્છનંુ નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યાં ઠંડીનો પારો ૭.૮ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો નીચો આવતા લોકો ઠંડીમાં થીજાવા લાગ્યા છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં ૧૦ ડિગ્રી અને ડીસામાં પણ લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી નોંધાયુ છે. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અમરેલીનું તાપમાન ૧૦.૮ ડિગ્રી અને રાજકોટનું તાપમાન ૧૨.૯ ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ૪ ડિગ્રી પર પહોંચી ગયો છે.