અમદાવાદ,તા. ૧૫
અમદાવાદમાં આજે સવારે જોરદાર ઠંડા પવન સાથે ઠંડીનો અનુભવ લોકોને થયો હતો. સવારે ૮ઃ૩૦ વાગ્યા સુધીના ગાળામાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા અને ઠંડીની શરૂઆત થયા બાદ હવે તેમાં વધારો થવાના સંકેત મળવા લાગી ગયા હતા. સવારના પવનોના કારણે લોકોએ સાવચેતી પણ રાખી હતી. તાપમાનમાં હવે ઘટાડાનો સિલસિલો શરૂ થઇ શકે છે. એટલે ગુજરાતમાં પારો ત્રણ ડિગ્રી સુઘી ઘટવાના એંધાણ વર્તાયા છે. આજે રાજ્યમાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું ભૂજમાં ૧૮.૮ ડિગ્રી રહ્યું હતું. કંડલા એરપોર્ટ ખાતે પણ પારો ૨૦થી નીચે પહોંચ્યો હતો. ગાંધીનગરમાં પણ પારો ૧૯ રહ્યો હતો. હાલમાં કમોસમી વરસાદ બાદ હવે એકાએક ઠંડીમાં ઝડપથી તેજીની શરૂઆત થઇ શકે છે. આને લઇને લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા મહાની અસર હજુ જોવા મળી રહી છે જેના ભાગરૂપે ગુરૂવારના દિવસે પણ રાજ્યના કચ્છ, જૂનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારમાં કરાં સાથે વરસાદ પડ્યો હતો. ખેડૂતોની હાલત ખરાબ થયેલી છે. કારણ કે, તેમના પાકને નુકસાન થવાનો ખતરો હજુ પણ રહેલો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૧.૩ ડિગ્રી રહ્યું હતું. છેલ્લાં ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને કચ્છમાં હળવો વરસાદ થયો છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ રહેલી છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. એનો મતલબ એ થયો કે, ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગના કહેવા મુજબ કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સાથે સાથે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી પરોઢે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરમાં ગરમી અને મોડી રાત્રે ઠંડીના પરિણામ સ્વરૂપે વાયરલ ઈન્ફેકશનના રોગ પણ વધી ગયા છે. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઘણા પગલા લેવાઈ રહ્યા હોવા છતાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે.