અમદાવાદ, તા.ર૮
પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે ભારત સરકારના સહયોગથી રૂા.૧૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ કરતા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, રાજકોટની સાધારણ હોસ્પિટલને સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલમાં પરિવર્તિત કરી છે. જેનાથી હવે હદય, મગજ, કિડની જેવા ગંભીર રોગોની સારવાર સ્થાનિક કક્ષાએ દર્દીઓને મળી શકશે. ભારત સરકારે દેશમાં ૨૨ જગ્યાએ ‘એઈમ્સ’ આપી રહી છે. રાજકોટને પણ સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ સાથે ‘એઈમ્સ’ પણ મળી છે. ગુજરાતમાં ભાવનગર અને સુરતમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કરાશે. મંત્રી ડૉ. હર્ષવર્ધને વધુમાં ઉમેર્યુ હતું કે, દેશમાં ૧૫૭ મેડિકલ કોલેજો પ્રગતિ હેઠળ છે. ભારત સરકાર દેશના ૭૫ ગરીબ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનાવશે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માત્ર દેશની જ નહીં વિશ્વની સૌથી મોટી યોજના છે. જેમાં ગરીબ પરિવારને દર વર્ષે રૂા. ૫ લાખની સારવાર ખાનગી હોસ્પિટલમાં પ્રાપ્ત થાય છે. સમગ્ર દેશને ૨૦૨૫માં ટીબી મુક્ત કરાશે. સ્વાસ્થ્યવર્ધક ખાણું અને કસરતને દૈનિક જીવનમાં અપનાવવાનો અનુરોધ મંત્રીએ લોકોને કર્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજકોટમાં રૂા.૧૫૦ કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવેલ છે. રૂા.૧૦૦ કરોડના ખર્ચે અદ્યતન ‘ઝનાના હોસ્પિટલ’ બની રહી છે. એઈમ્સનું કામ આગળ વધી રહ્યુ છે. સૌરાષ્ટ્રની જનતાને આરોગ્ય વિષય તકલીફ પડે તો રાજકોટથી દૂર જવુ ન પડે તે માટે તબીબી સેવાની સુપર સ્પેશ્યાલીટી સુવિધા નિઃશુલ્ક મધ્યમવર્ગ અને ગરીબવર્ગ માટે કેન્દ્ર-રાજ્ય સરકારે વ્યવસ્થાઓ કરેલ છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં ‘એઈમ્સ’ કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે.