(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
ગુજરાત વિધાનસભામાં રાજ્યના સામૂહિક બળાત્કા અને બળાત્કારની ઘટનાઓનો ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે. જેમાં દરરોજ ૩થી ૪ બળાત્કાર અને સામૂહિક બળાત્કાર થતા હોવાની વિગતો બહાર આવી છે. ઉપરાંત બે વર્ષમાં ૨૭૨૩ કેસ બળાત્કાર અને સામૂહિક બળાત્કારના નોંધાયા છે. જેના આધારે ગુજરાતમાં મહિલાઓ ખરેખર કેટલી સુરક્ષિત છે ? તે સવાલ ઊઠવા પામ્યો છે. તો બીજી તરફ સરકાર તરફે બચાવમાં એવો તર્ક અપાયો છે કે, પ્રેમપ્રકરણ બાદ બળાત્કારના કેસ નોંધાય છે. એટલે બળાત્કારનો ખરેખર રેશિયો ઓછો છે તેવો દાવો સરકાર દ્વારા આવ્યો છે. આજે વિધાનસભાના સત્ર દરમિયાન ગુજરાતમાં બનેલા દુષ્કર્મના બનાવ અંગે ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. દુષ્કર્મ કેસ અંગેના સવાલ પર સરકારે જવાબ આપતાં જણાવ્યું કે, છેલ્લા ૨ વર્ષમાં દુષ્કર્મના કુલ ૨૭૨૩ કેસ નોંધાયા છે. ગુજરાતમાં દરરોજ ૩થી ૪ દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના બનાવ નોંધાય છે. અમદાવાદમાં જ ૨ વર્ષમાં ૫૪૦ કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ દુષ્કર્મના કેસ અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે.
આ મામલે સરકારનો બચાવ કરતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં જણાવ્યું હતું કે, અન્ય રાજ્યો કરતાં ગુજરાત ઘણું સુરક્ષિત છે. મોટા ભાગના કેસમાં પ્રેમપ્રકરણ બાદ રેપના કેસ સામે આવે છે. ગુજરાતમાં બનતી દુષ્કર્મની ઘટનાઓને ડામવા માટે ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવામાં આવી છે. ગુજરાતનો ક્રાઈમ રેટ દેશના અન્ય રાજ્યો કરતા બહુ ઓછો છે, છતાં ગુજરાત સરકાર આ મામલે ગંભીર છે.
તો દુષ્કર્મના આંકડા જોઈ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ચિંતા વ્યક્ત કરી હતી. પરેશ ધનાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરરોજ ત્રણ-ચાર દીકરીઓ પીંખાય છે, તે આપણા સૌ માટે શરમની બાબત છે, મારે પણ દીકરીઓ છે, તેથી મને પણ ચિંતા થાય છે કે મારી દીકરીઓ પણ સલામત છે કે કેમ ? તો વિધાનસભાના અધ્યક્ષે પણ આ બાબતે જણાવ્યું કે, સમાજ માટે આ ચિંતાનો વિષય છે.

સૌથી વધુ બળાત્કારના બનાવવાળા જિલ્લા

વડોદરા ૧૩૯
કચ્છ ૧ર૮
સુરત ૪પર
અમદાવાદ પ૪૦
બનાસકાંઠા ૧પ૦
રાજકોટ ૧પ૮

પાલનપુરની માસૂમ બાળકી પર બળાત્કારના આરોપીઓને પકડો અને પીડિતાને સહાય આપો

ગુજરાત વિધાનસભામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સામૂહિક બળાત્કારના બનાવોની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પાલનપુરમાં ચાર વર્ષની બાળકી ઉપર થયેલી બળાત્કારની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાલનપુર ખાતે મજૂરી કરી ગુજરાન ચલાવતી અને રેલવે પ્લેટફોર્મમાં રહેતી વિધવા મહિલાની ચાર વર્ષની માસૂમ બાળકી પર થયેલા બળાત્કારની ઘટનામાં ૧૦ દિવસનો સમય વીતિ ગયો છે. તેમ છતાં હજુ સુધી આરોપીઓ પકડાયા નથી, તેથી આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે અને પીડિતાને તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી આક્રમક રજૂઆત ગૃહમાં કરી હતી. ઉપરાંત ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બાળકો અને મહિલાઓ ગુમ થવા અંગે જણાવ્યું હતું કે પશ્નોત્તરીમાં સરકારે કબૂલ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગર શહેર/જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૧૧પ બાળકો ગુમ થયા છે. તે પૈકી ૧૧૮ બાળકોની ભાળ મળવાની બાકી છે તેવી જ રીતે ૪રર૪ મહિલાઓ ગુમ થઈ છે. તે પૈકી ૬૧૯ મહિલાઓની ભાળ મેળવવાની બાકી છે. ત્યારે સલામત ગુજરાતની ગુલબાંગો પોકારતી ભાજપ સરકારના શાસનમાં મહિલાઓ અને બાળકો સુરક્ષિત રહ્યા નથી. એવો સણસણતો આક્ષેપ ગ્યાસુદ્દીન શેખે કર્યો છે.