અમદાવાદ, તા.૨૮
રાજ્યભરમાં કોરોના મહામારીના કારણે દેશભરમાં છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા લોકડાઉનના પગલે અનેક ધંધા-રોજગાર બંધ હતા. જેમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જો કે, ફિલ્મ જોવાના રસિયાઓને હજુ પણ થિયેટર કે મલ્ટિપ્લેક્સમાં આરામથી સીટ પર બેસીને મોટા પરદા પર ફિલ્મો જોવા માટે ઘણી રાહ જોવી પડે તેવી શક્યતા છે. જો કે, મલ્ટિપ્લેક્સ એસોસિએશને સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને સિનેમા થિયેટરો ચાલુ કરવાની પરવાનગી આપવા રજૂઆત કરી છે. રાજ્યમાં લોકડાઉન-૪ બાદ લોકડાઉન-પ પણ આવવાનું છે. જેમાં ૧ જૂનથી હજુ વધુ છૂટછાટ જાહેર થવાની શક્યતા છે. પરંતુ તેમાં મલ્ટિપ્લેક્સ ખોલવામાં આવે તેવી શક્યતા દેખાતી નથી. મલ્ટિપ્લેક્સ એસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે મલ્ટિપ્લેક્સ શરૂ કરવા મંજૂરી માંગી છે. વળી એસોસિએશને રાજ્યના માહિતી અને પ્રસારણ ખાતાને પણ આ અંગે રજૂઆત કરી છે. એસોસિએશને ખાતરી આપી છે કે, સેનેટાઈઝ ટનલ, એક ચેર વચ્ચે જગ્યા રાખવાની તૈયારી દર્શાવી છે. એસોસિએશને એવું પણ કહ્યું છે કે, ટિકિટ વિન્ડો બંધ રાખી માત્ર ઓનલાઈન ટિકિટથી જ લોકોને પ્રવેશ અપાશે. આ ઉપરાંત તેમણે સ્ટાફના પગારમાં રાહત અને પ્રોપર્ટી ટેક્સ, જીએસટીમાં રાહત આપવા માટે પણ માગણી કરી છે. આમ લોકડાઉનના અમલમાં હજુ વધુ છૂટછાટ જાહેર થવાની શક્યતા છે, પરંતુ તેમાં મલ્ટિપ્લેક્સ ખૂલે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. બીજી તરફ મુંબઈમાં પણ આ માટે પ્રયાસ થઈ રહ્યા છે. લોકડાઉનના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ મોટું નુકસાન થયું છે, ત્યારે હજુ પણ મલ્ટિપ્લેક્સ ફરી શરૂ થવામાં એકથી દોઢ મહિના જેટલો સમય લાગે તેવી શક્યતા છે. હાલ કોરોનાના કહેરને જોતા ગુજરાતમાં મલ્ટિપ્લેક્સ ખૂલે તેવી શક્યતા દેખાતી નથી. જો કે, જ્યારે પણ થિયેટર ખોલવામાં આવે, ત્યારે તેના માટેની ગાઈડલાઈન શું હોઈ શકે ? તેના માટેની ચર્ચા વિચારણા શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં વિશેષ તૈયારીઓ સાથે સિનેમાગૃહ પુનઃ શરૂ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત

Recent Comments