અમદાવાદ,તા.૧૩
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસ દિલ્હીની મુલાકાતે છે ગતરોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ તેમણે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાતમાં ઉદભવનગર પાણીની ગંભીર કટોકટીના મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં વડાપ્રધાને તેમને કેન્દ્ર સરકાર દ્વારા તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત ગુજરાતમાં હાલ ઉદભવી રહેલી રાજકીય સ્થિતિ અંગે પણ તેમને અવગત કર્યા હતા.
સોમવારે દિલ્હીની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ ટવીટ કરીને તેમની અને વડાપ્રધાન વચ્ચે થયેલી આ મુલાકાતની જાણકારી આપી હતી. જેમાં તેમણે એવું પણ લખ્યું હતું કે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમ્યાન ગુજરાતના વિકાસ સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ નર્મદાના જળસંકટ અંગે ગંભીર પરિસ્થિતી પ્રવર્તી રહી છે. સરકાર નર્મદાના પાણી અંગે તમાચો મારીને ભલે ગાલ લાલ રાખતી હોય પંરતુ વાસ્તવમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. વર્ષો બાદ કદાચ પ્રથમવાર એવી સ્થિતિ ઉદભવી હશે કે ડેડસ્ટોક વાપરવાની નોબત આવી હોય આથી આ મુદ્દો પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.