(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે જ્યારે ટિકિટ વાંચ્છુઓના તેમના ગોડફાધરના ત્યાં તળિયા ઘસવા આંટાફેરા વધી ગયા છે, ત્યારે કોંગ્રેસે ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો કબજે કરવા સિનિયર નેતા તામ્રધ્વજ સાહુને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપી છે. જેઓ ઈલેક્શન કેમ્પેઈન અને કો-ઓર્ડિનેશન પર નજર રાખશે. તામ્રધ્વજની નિમણૂકથી કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની પાંખો કપાઈ હોવાની ચર્ચા જાગી છે. કારણ કે, આ જવાબદારી મોટાભાગે પ્રભારી સંભાળતા હોય છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસની સાથે-સાથે એનસીપી, આપ, બીએસપીની સાથે-સાથે એઆઈએમઆઈએમ સહિતના પક્ષોના ટિકિટ વાંચ્છુઓએ પક્ષના કાર્યાલય ખાતે અને તેમના ગોડફાધરોને ત્યાં લાઈનો લગાવી દીધી છે. જો કે, આ વખતે ઉમેદવારોનો ધસારો અને હરિફાઈ વધુ હોવાથી વિવિધ પક્ષોએ ચાળીચાળીને ઉમેદવારોની પસંદગી કરવાનું નક્કી કર્યું છે. દરમિયાન કોંગ્રેસે ગુજરાતની તમામ મનપા, નપા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં તેના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી નાખી છે પેનલ તૈયાર થઈ ચૂકી છે. હવે ઉમેદવારોની પસંદગી સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ કરવામાં આવશે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્ત્વ દ્વારા ગુજરાતની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા કમર કસવામાં આવી છે. આ માટે ગુજરાતના ઓબ્ઝર્વરની જવાબદારી છત્તીસગઢ સરકારમાં ગૃહ રાજ્યપ્રધાન તરીકે ફરજ બજાવતા તામ્રધ્વજ સાહુને સોંપવામાં આવી છે. આ જવાબદારી મળ્યા બાદ સાહુએ ટિ્‌વટ કરી જણાવ્યું છે કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે મળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતીશું.