પશુપાલન મંત્રીનો દાવો : બે દિ’માં થયેલા પક્ષીઓનાં મોત ઝેરથી થયાની આશંકા
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૬
કોરોનાનો કહેર હજીયે સમગ્ર દેશને પોતાના અજગરી ભરડામાં લઈ રહ્યો છે ત્યારે એક નવી આફત ના એંધાણ વર્તાઇ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં બર્ડફ્લૂની અસર વધી રહી છે. છેલ્લા દસ દિવસમાં પાંચ લાખ જેટલા પક્ષીઓનાં મોત થતાં હાહાકાર મચી ગયો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. હરિયાણામાં રિપોર્ટ આવવાનો બાકી છે.ગુજરાતમાં ૫૩ પક્ષીનાં મોત થયાં છે, જોકે બર્ડફ્લૂની પુષ્ટિ થઈ નથી. ત્યારે રાજ્યના પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે રાજ્યમાં બર્ડફ્લુનો એક પણ કેસ નોંધાયો નથી. ભારત સરકારની સૂચના પ્રમાણે બધાને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. જો કે મંત્રીએ એમ પણ કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં ૫૫ જેટલા પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં પોઈઝનથી મોત થયા હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરાંત સુરત પાસે ચાર પક્ષીઓના મોત થયાં છે. જો કે રાજ્યમાં હજી સુધી કોઈ શંકાસ્પદ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ક્યાંય કોઈ ચિંતાનું કારણ નથી. આ રોગ માટે દવાઓ અને વેક્સિનેશન અંગેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવાના ખારા ડેમ પાસે રેવન્યુ વિસ્તારમાં ટીટોડી, બગલી, બતક, નકટો સહિતના ૫૩ જેટલા પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર પ્રસરી છે. આ અંગે વનવિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરથી ટીટોડી – ૪૬, બગલી – ૩, નકટો -૧, બતક -૩ મળી કુલ ૫૩ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે આર.એફ.ઓ. એ.એ. ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક નિરિક્ષણમાં કોઈ રોગચાળાના કારણે એક સાથે આટલા મોટા પ્રમાણમાં પક્ષીઓનાં મોત થયાની પૂરી શકયતા છે. જો કે મોતનું સાચું કારણ જાણવા પક્ષીઓના મૃતદેહનું પીએમ અને લેબોરેટરી કરાવવા માટે વેટેનરી તબીબને કાર્યવાહી કરવા જાણ કરાઇ છે.
Recent Comments