અમદાવાદ,તા.૧
આ વખતે શિયાળો ભલે સુંવાળો રહ્યો હોય પણ ઉનાળામાં આકરી ગરમીના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઈન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલ રિપોર્ટ અનુસાર દેશના અનેક રાજયોની સાથે આ વખતે ગુજરાતમાં પણ હીટવેવ જોવા મળશે અને સામાન્ય રીતે તાપમાનમાં ૧થી ૧.પ ડિગ્રી જેટલો વધારો જોવા મળશે. તે જોતા લોકોએ લૂ થી બચવાના ઉપાયો હાથ ધરવા પડશે.
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ(આઇએમડી) દ્વારા જારી કરાયેલા સીઝનલ ફોરકાસ્ટ રિપોર્ટમાં સ્પષ્ટ આગાહી કરવામાં આવી છે કે, આ વખતે ઉનાળાની ગરમી લોકોને વધુ દઝાડશે. મે મહિનામાં દેશના કેટલાક રાજયોમાં ગરમીની સૌથી વધુ અસર જોવા મળશે અને હીટવેવ ત્રાટકશે. આઇએમડીના અહેવાલમાં જે રાજયો હીટ વેવ ઝોન હેઠળ જાહેર કરાયા છે, તેમાં ગુજરાત રાજયનો પણ સમાવેશ થાય છે, તેથી ગુજરાતના પ્રજાજનોને પણ આ વખતની ઉનાળાની બળબળતી ગરમી દરવખત કરતાં વધારે પરચો બતાવે તેવી શકયતા છે. આઇએમડીના સીઝનલ ફોરકાસ્ટ રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે, દેશમાં ગરમીનો સૌથી વધુ પ્રકોપ ઉત્તર ભારતના રાજયોમાં જોવા મળશે. માર્ચથી લઇ મે મહિના દરમ્યાન ગરમીનો પારો ઉંચો જશે. ખાસ કરીને મે મહિનામાં ગરમી તેનો બળબળતો ચમકારો બતાવશે. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે. દેશના અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ ઉનાળાની અસર વર્તાવાની શરૂઆત થઇ ગઇ છે. બપોરની ગરમી લોકોને હવે દઝાડી રહી છે. માર્ચથી મે મહિનાના ત્રણ મહિનાના સમયગાળામાં ગરમીની સૌથી વધુ અસર વર્તાવાની સંભાવના છે. ખાસ કરીને મે મહિનામાં તો હીટવેવ અને લુ ત્રાટકવાની પૂરી શકયતા હોઇ રાજયના લોકોએ ગરમી ને લુથી બચવાના અસરકારક અને ઠંડકના ઉપાયો કરવા પડશે. જયારે આકાશ તાપથી બચવાના ઉપાયો હાથ ધરવા પડશે. જયારે હીટવેવની આ આગાહીને કેટલાક જાણકારો ગ્લોબલ વોર્મિંગની અસર ગણાવી રહ્યા છે.
ગુજરાતમાં હિટ વેવની સંભાવના વચ્ચે મે મહિનામાં ગરમી દઝાડશે

Recent Comments