અમદાવાદ, તા.૧૭
રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટના અમલ બાદ લોકોએ જોરદાર વિરોધ કરતા આખરે ગુજરાત સરકારે દંડની રકમ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ હેલ્મેટ મુદ્દે પણ લોકોનો વિરોધ સતત ચાલતો જ હતો, ત્યારે તાજેતરમાં જ કેબિનેટની બેઠકમાં સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી છે, ત્યારે હવે રોડ-સેફ્ટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ રાજ્યમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ મુદ્દે ખુલાસો માંગ્યો છે.
રાજ્યમાં મોટર વ્હીકલ ઍક્ટના નવા નિયમોના અમલીકરણ બાદ વિરોધના સૂરો ઉઠ્યા હતા. ટ્રાફિકના નિયમન અને ખાસ કરીને હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદાના કારણે શહેરી વિસ્તારમાંથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. આ સ્થિતિમાં રાજ્ય સરકારે પહેલાં ટ્રાફિકના નિયમોના ભંગ માટે કેન્દ્ર સરકારે નક્કી કરેલા દંડની રકમમાં છૂટછાટ આપી અને દંડની રકમ ઓછી કરી અને બાદમાં શહેરમાં વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કર્યુ હતું. સરકારની આ છૂટછાટ સામે રોડ સેફ્ટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ ખુલાસા માંગ્યો છે.
રોડ સેફ્ટિ કાઉન્સલ ઑફ ઇન્ડિયાએ ગુજરાત સરકારના આ નિર્ણય બદલ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ પાસે ખુલાસો માંગ્યો છે અને પૂછ્યું છે કે રાજ્યમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ શા માટે?
ગુજરાત સરકારે ૫મી ડિસેમ્હરકે એક નિર્ણય લેતા શહેરી વિસ્તારમાં ટૂ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ મરજિયાત બનાવી દીધું છે. કેબિનેટની બેઠકમાં મહાનગરપાલિકા તથા નગરપાલિકાની હદના વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદામાં છૂટછાટ આપી હતી. જોકે, રાષ્ટ્રીય કે રાજ્યના ધોરીમાર્ગો તથા પંચાયત હસ્તકના રસ્તાઓ પર હેલ્મેટ ફરજિયાત જ રહેશે.
મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટનો અમલ કર્યાં બાદ ગુજરાત સરકારે પણ દંડ વધારો કરીને ટ્રાફિકનાં નવા નિયમો અમલી બનાવ્યા હતાં. જેમાં હેલમેટ પહેરવું પણ ફરજિયાત બનાવાયુ હતું. ટ્રાફિક પોલીસે પણ હેલ્મેટ ન પહેરવાનાં નિયમોનો ભંગ કરનારાં ટુ વ્હિલર ચાલકો પાસે લાખો કરોડો રુપિયાનો હે દંડ ઉઘરાવ્યો હતો. હેલમેટનાં કારણે ગુજરાતમાં લોકવિરોધનો વંટોળ શરુ થયો હતો જેના કારણે રૂપાણી સરકારે એક ડગલું પીછેહટ કરવી પડી હતી.