અમદાવાદ, તા.૧૫
રાજ્યમાં હાલ કોરોનાનો કહેર અને કાળઝાળ ગરમી જોવા મળી રહી છે ત્યારે જૂન મહિનામાં રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ જશે. આ વર્ષે ચોમસામાં ૯૬થી ૧૦૪ ટકા જેટલો વરસાદ થશે એવું અનુમાન હવામાન વિભાગના નિયામકે કર્યું છે સાથે જ આ વર્ષે અનેક જગ્યાએ ભાારે વરસાદની વકી પણ છે. પ્રિ-મોનસૂનની તૈયારી અંગેની સમીક્ષા બેઠકમાં ગુજરાતના ચોમાસા અંગે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ગાંધીનગર ખાતે સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી પ્રિ-મોનસૂનની તૈયારી અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. આ સ્થિતિમાં આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત વરસાદ, પૂર અને વાવાઝોડા સામે રાહત અને બચાવની કામગીરીમાં વહીવટી તંત્રે પીપીઈ કિટ, માસ્ક, સામાજિક અંતર જેવી તમામ બાબતોનું ખૂબ સાવચેતી પૂર્વક પાલન કરવું પડશે. આ બેઠકમાં વિવિધ, વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ સંબંધિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમના એક્શન પ્લાન રજૂ કર્યા હતા. હવામાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ૯૬થી ૧૦૪ ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત પમી જૂને વિધિવત ચોમાસાનું આગામન થશે. ત્યારબાદ ૧૫ દિવસે એટલે ૨૦મી જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે સંભવિત વરસાદની પરિસ્થિતિમાં પૂર અને વાવાઝોડામાં રાહતની કામગીરી દરમિયાન વિવિધ સુરક્ષાઓની તૈયારીઓ અને તેમને સાવચેતીના ભાગરૂપે રાખવાની થતી કાળજી અંગે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠક સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઈ હતી.