પ્રતિઆત્મક તસવીર

ગાંધીનગર, તા.ર૭
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સ્વસ્થ ભારતની વાતો જોરશોરથી થઈ રહી છે. પરંતુ ગુજરાત સરકારને આ સ્વસ્થ ભારત મિશનમાં જોડાવવામાં રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે રાજ્યમાં ૬ માસમાં જ અધધધ ર.૪૧ લાખ કુપોષિત બાળકો વધ્યા છે. ત્યારે કુપોષણને ડામવા અને સ્વસ્થ ભારત મિશનમાં જોડાવવા ગુજરાતનું સરકારી તંત્ર આળસ ખંખેરશે ખરૂં ?
હાલ ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોતરીકાળમાં રાજ્યમાં કુપોષિત બાળકો અંગે ખુલાસો થયો છે. આ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણમંત્રીએ જણાવ્યું કે, ૯ જુલાઈ ૨૦૧૯ના રોજ રાજ્યમાં ૧ લાખ ૪૨ હજાર ૧૪૨ કુપોષિત બાળકો હતા. જે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ ૩ લાખ ૮૩ હજાર થયા છે. આમ છેલ્લા ૬ મહિનામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં ૨ લાખ ૪૧ હજાર ૬૯૮નો વધારો થયો છે. તેમાં પણ જુલાઈ ૨૦૧૯માં બનાસકાંઠામાં ૬૦૭૧ કુપોષિત બાળકો હતા. જેમાં છેલ્લા છ મહિનામાં ૨૨,૧૯૪ કુપોષિત બાળકોનો વધારો થયો છે અને કુપોષિત બાળકોની સંખ્યા ૨૮,૨૬૫ પર પહોંચી છે.
રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠા જિલ્લામાં ૨૮,૨૬૫ છે. ત્યાર બાદ ૨૬,૦૨૧ બાળકો સાથે આણંદ બીજા ક્રમે, ૨૨,૬૧૩ બાળકો સાથે દાહોદ ત્રીજા ક્રમે, વડોદરા ૨૦,૮૦૬ બાળકો સાથે ચોથા ક્રમે અને ૨૦૦૩૬ બાળકો સાથે પંચમહાલ પાંચમાં નંબર પર છે.

કયા જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો ?
જિલ્લા કુપોષિત બાળકોની સંખ્યા
બનાસકાંઠા ૨૮,૨૬૫
આણંદ ૨૬,૦૨૧
દાહોદ ૨૨,૬૧૩
વડોદરા ૨૦,૮૦૬
પંચમહાલ ૨૦,૦૩૬

કુપોષિત બાળકોની આંકડાકીય માહિતી
જુલાઈ-ર૦૧૯માં કુપોષિત બાળકો ૧,૪૨,૧૪૨
ફેબ્રુઆરી-ર૦ર૦માં કુપોષિત બાળકો ૩,૮૩,૮૪૦
૬ માસમાં વધારો ૨,૪૧,૬૯૮