મોરબી, તા.રર
મોરબીમાં પરિણીત હોવાની ઓળખ છુપાવીને લગ્નનું નાટક કરીને ઉદ્યોગકારે ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ કરનાર આરોપી ઉદ્યોગકારની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ ઉપર લીધો છે. જ્યારે આ બનાવમાં મદદગારી કરવાના કેસમાં ઉદ્યોગકારની પત્નીની ધરપકડ કરવા પણ તજવીજ હાથ ધરી છે.
આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તા.૧૮ના રોજ મોરબીમાં રહેતી યુવતીએ મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર આવેલ પુષ્કર એપાર્ટમેન્ટમાં રહેતા ઉદ્યોગકાર નયનભાઈ પ્રાણજીવનભાઈ વિલપરા અને તેમના પત્ની ચેતનાબેન સામે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીએ અગાઉ ગુજરાતી ફિલ્મો, સિરિયલો અને આલ્બમમાં કામ કર્યું છે અને ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસની સાથે થોડા વર્ષો અગાઉ મોરબી તેના મામાના ઘરે આવ્યા બાદ જે તે સમયે મોરબીના એક કારખાનામાં જોબ કરતી હતી ત્યારે આ ઉદ્યોગકારે પોતાની પરિણીત હોવાની ઓળખ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.
ઉદ્યોગકારે યુવતી સાથે દ્વારકા જઈને એક મંદિરે લગ્ન કરી લીધા હતા. યુવતી સાથે લગ્નનું નાટક કરીને કારખાનેદારે યુવતી સાથે અનેક વખત શરીર સબંધ બાંધ્યો હતો. દરમિયાન યુવતીને ઉદ્યોગકાર પરિણીત હોવાની ખબર પડી ગઈ હતી. આથી, યુવતી આરોપીના ઘરે ગઈ હતી. ત્યારે આરોપીઓ તેને ધમકાવી હતી. આથી, યુવતી સાથે વિશ્વાસઘાત થયો હોય અને તેની જિંદગી બરબાદ થઈ જતા થોડા સમય સુધી ડિપ્રેશનમાં રહ્યા બાદ અંતે હિંમત એકઠીં કરીને આ બનાવની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે એ ડિવિઝન પોલીસે આરોપી કારખાનેદારની ધરપકડ કરીને કોર્ટમાંથી તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેમજ બનાવમાં મદદગારી કરવાના કેસમાં ઉદ્યોગકારની પત્નીની ધરપકડ કરવા પણ તજવીજ હાથ ધરી છે.