(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
“સાત પગલાં આકાશમાં” અને “પરમ સમીપે” સર્જનથી ખ્યાતિ પામેલા ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકાર, વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર કુંદનિકા કાપડિયાનું આજે ૯૩ વર્ષની જૈફ વયે વલસાડના નંદીગ્રામ ખાતે નિધન થયું છે. ગત બુધવારની મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે સાત પગલાં આકાશમાં નવલકથા માટે ૧૯૮પમાં સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
કુંદનિકા કાપડિયા ઘણા વર્ષોથી વલસાડના નંદીગ્રામ ખાતે આશ્રમમાં રહેતા હતા. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે ‘નંદીગ્રામ’ નામનો આશ્રમ સ્થાપ્યો હતો, મકરંદ દવે ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને લેખક હતા.
કુંદનિકા કાપડિયાનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ૧૧ જાન્યુઆરી, ૧૯૨૭ના રોજ થયો હતો. કુંદનિકા કાપડિયા ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ અને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક પણ રહી ચૂક્યા હતા. ૧૯૮૭માં મકરંદ દવે તેમના પત્ની કુંદનિકા કાપડિયા સાથે વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી હતી. તેમણે પ્રાથમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે લીધું હતું. ત્યારબાદ ભાવનગરની શામળદાસ કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો. રાજકારણ અને ઈતિહાસ વિષય સાથે B.A. થયા બાદ મુંબઈની સ્કુલ ઓફ ઈકોનોમિક્સમાંથી M.A. થયા હતા. તેમના નિધનના સમાચારથી ગુજરાતી સાહિત્ય જગત તથા વાચકોને ભારે આઘાત પહોંચ્યો છે. સ્ત્રી સશક્તિકરણ પરનું એમનું પુસ્તક ‘સાત પગલાં આકાશમાં’ની અનેક વખત સાહિત્ય મેળાઓમાં ચર્ચા થઈ છે. ગુજરાતી ભાષા-સાહિત્યને એક નવા પાસા અને વિષય આપ્યા છે. એમની કેટલીક કૃતિઓ પર PHD પણ થયેલું છે.