વડોદરા, તા.ર૮

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલના ગુજરાતી માધ્યમમાં ફી ન ભરનાર ૧પ૦ જેટલા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પોલીસ પણ સ્કૂલ ખાતે દોડી ગઈ હતી. સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની વાલીઓએ ચીમકી ઉચ્ચારી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલકો હાઈકોર્ટના હુકમને પણ ઘોળીને પી ગયા છે. વાલી મંડળના અગ્રણી દિપક પાલકરે જણાવ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં ગુજરાતી માધ્યમની અંબે સ્કૂલ આવેલી છે. અંબે સ્કૂલ દ્વારા ફી ન ભરનાર ૧પ૦ જેટલા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવતા વાલીઓને ભેગા થવાની ફરજ પડી હતી. સ્કૂલ મેનેજમેન્ટ જણાવે છે કે, વાલીઓએ ગત વર્ષની ફી ભરી ન હોવાથી ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, વાલીઓએ એફઆરસી મુજબ ફી ભરી દીધી હોવા છતાં મેનેજમેન્ટ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે સ્કૂલોએ વાલીઓ પાસેથી હાલ ફી ન લેવાનો હુકમ કર્યો છે તેમ છતાં સ્કૂલ સંચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. આ બાબતે અમે રાજ્યના શિક્ષણમંત્રી સુધી અમારો અવાજ પહોંચાડીશું. જો આ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું બંધ કરી દેવામાં આવેલું ઓનલાઈન શિક્ષણ ચાલુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટના હુકમ બાદ વડોદરાની મોટાભાગની સ્કૂલો દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજી માંજલપુર ખાતે આવેલી અંબે સ્કૂલ જેવી સ્કૂલો દ્વારા ફી વસૂલ કરવા માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. ફી મુદ્દે એકઠા થયેલા વાલીઓએ આજે અંબે વિદ્યાલય સામે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી.