સુરત, તા.૨૭
ગુજરાતે રણજી ટ્રોફી ૨૦૧૯ની બીજી મેચમાં સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે કેરળને ૯૦ રને હરાવ્યું હતું. આ સાથે જ તેણે ટૂર્નામેન્ટમાં સતત બીજી મેચ પોતાના નામે કરી હતી. ૨૬૮ રનનો પીછો કરતા કેરળ બીજા દાવમાં ૧૭૭ રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના માટે સંજુ સેમસને સારો દેખાવ કરતા ૮૨ બોલમાં ૮ ફોર અને ૧ સિક્સની મદદથી ૭૮ રન કર્યા હતા. જો કે, અન્ય કોઈ બેટ્‌સમેન ૩૦ રનનો આંક વટાવી શક્યું ન હતું. ગુજરાત માટે બીજા દાવમાં ૫૦ રન કરનાર અને મેચમાં પાંચ વિકેટ ઝડપનાર ચિંતન ગાંજા મેન ઓફ ધ મેચ બન્યો હતો.
અગાઉ મેચમાં પ્રથમ દિવસે ગુજરાત ૧૨૭ રનમાં ઓલઆઉટ થયું હતું. જો કે, જવાબમાં કેરળ ૭૦ રનમાં ઓલઆઉટ થતા ગુજરાતને ૫૭ રનની લીડ મળી હતી. ત્યારબાદ ગુજરાતે મનપ્રીત જુનેજા(૫૩) અને ગાંજાની ફિફટી થકી ૨૧૦ રન કર્યા હતા. બેસિલ થામ્પીએ પાંચ વિકેટ ઝડપી હતી. ૨૬૮ રનનો પીછો કરતા કેરળની અક્ષર પટેલે ચાર, ચિંતન ગાંજાએ ત્રણ અને રૂષ ક્લેરિયાએ બે વિકેટ લીધી હતી. જયારે પ્રિયાંક પંચાલે એક રનઆઉટ કર્યો હતો.