(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
કોરોના વાયરસને કારણે ગુજરાત સરકારે અગમચેતી પગલાના ભાગરૂપે ગુજરાત એસટી ડેપોની મહારાષ્ટ્ર તરફ જતી તમામ બસો આજે બપોરથી જ્યાં સુધી બીજો કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી સંચાલન બંધ કરવાનો નિર્ણય અમદાવાદ મધ્યસ્થ કચેરી તરફથી લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.સૂત્રોના જણાવ્યા અનુસાર વિશ્વના ૧૬૨ દેશોમાં નોવેલ કોરોનાએ પગપેસારો કર્યા બાદ મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં ત્રણેક વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે ઘણાં વ્યક્તિઓ શંકાસ્પદ કોરોના હેઠળ હોસ્પિટલો તેમજ આઈસોલેશન વોર્ડમાં અંડર ઓબ્ઝરવેશનમાં રાખવામાં આવ્યા છે. જો કે, ગુજરાતમાં આ લખાય છે ત્યાં સુધીમાં એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નથી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા અગમચેતી તથા સાવધાનીના પગલાના ભાગરૂપે અમદાવાદ એસટીની મધ્યસ્થ કચેરી તરફથી આપેલી સૂચના મુજબ આજે બપોરથી ગુજરાત એસટીની જે બસો મુંબઈ, પુણે, ઔરંગાબાદ, શીરડી, નાશિક, એજન્ટા, શાહદા તરફ જતી બસોનું સંચાલન સદ્‌ંતર બંધ કરી દેવામાં આવ્યું છે. આ સૂચનાનો અમલ બીજી કોઈ સૂચના ન આપે ત્યાં સુધી રહેશે એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું ચે. જો કે, સુરત એસટી ડેપોમાંથી અંદાજે ૨૦થી ૨૫ બસો મહારાષ્ટ્ર તરફ દોડતી હોવાનું પણ જાણવા મળ્યું છે.