અમદાવાદ,તા.૩૦
ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક ફેરફારો થઈ રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખ પછી ભરતસિંહ સોલંકીના સ્થાને યુવા નેતા અમિત ચાવડાને જવાબદારી સોંપાઈ હતી. ત્યારબાદ હવે કોંગ્રેસે ગુજરાતના પ્રભારી તરીકે અશોક ગેહલોતના સ્થાને યુવા નેતા રાજીવ સાતવની નવા પ્રભારી તરીકે નિમણૂક કરી છે. રાજકીય વર્તુળોમાંથી ચર્ચા જોવા મળી રહી છે કે વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ખૂબ મહેનત કરી હતી અને તે વખતે જ કોંગ્રેસના માત્ર હોદ્દા ભોગવતા નેતાઓની નજીકથી કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત પક્ષમાં ચાલતા જૂથવાદને પણ જોયો હતો. આ ચૂંટણી દરમ્યાન જ રાહુલ ગાંધીએ પક્ષના સંગઠનની કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો હતો જેના પરિણામ સ્વરૂપ સિનિયર ધારાસભ્યોને અવગણીને યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવાયા હતા. ત્યાર બાદ ભરતસિંહ સોલંકીના સ્થાને અમિત ચાવડાને પક્ષ પ્રમુખ બનાવવામાં આવ્યા રાહુલ ગાંધીના એક બાદ એક નિર્ણયોથી સિનિયર નેતાઓને સ્પષ્ટ સંદેશો મળી ગયો છે. અશોક ગેહલોત રાજસ્થાનમાં કોંગ્રેસ પક્ષના મુખ્યમંત્રીના દાવેદાર છે. ગેહલોત રાજસ્થાનમાં પણ ચૂંટણીનું નેતૃત્વ કરવાના હોવાથી હાઈકમાન્ડે હવે ગુજરાત પ્રભારીની જવાબદારી રાજીવ સાતવને સોંપી છે. હાલ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીના સ્થાને અમિત ચાવડાને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસે હવે વધુ એક પરિવર્તન કર્યું છે. કોંગ્રેસે ગુજરાતના પ્રભારી તરીકે યુવાન નેતા રાજીવ સાતવ(૪૩ વર્ષ)ની નિમણૂક કરી છે રાજીવને અશોક ગેહલોતના સ્થાને નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ટોચના નેતા એવા રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી હતા. આ સિવાય લાલજી દેસાઈને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.