(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે બિરાજમાન થયા બાદ રાહુલ ગાંધીએ પક્ષના સંગઠનમાં આમૂલ પરિવર્તન કરવાનું શરૂ કર્યું છે. સંગઠનને મજબૂત બનાવવા યુવા નેતાઓને તક અપાઈ રહી છે જ્યારે સિનિયરોને તેમના કામની કદરરૂપે મહત્ત્વના પદો પર નિમણૂક કરાઈ રહી છે. સંગઠનમાં પ્રાણ પુરવા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને તેમના કામની કદર કરી સી.પી. જોષીના સ્થાને તેમને બિહારના પ્રભારી નિયુક્ત કર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસે આમૂલ ફેરફાર કરી સંગઠનને મજબૂત કરવાની દિશામાં પ્રયત્નો કર્યા છે જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખથી શરૂઆત કરાઇ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે અમિત ચાવડાની નિયુક્તિ કરીને રાહુલ ગાંધીએ માત્ર હોદ્દા ભોગવતા સિનિયર નેતાઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. હવે શક્તિસિંહ ગોહિલનો વારો આવ્યો છે. કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલના કામની કદર કરી બિહારના એઆઇસીસીના ઇન્ચાર્જ બનાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ મોટો ફેરબદલ કરતા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને સંગઠનના મહાસચિવ બનાવ્યા છે. અશોક ગેહલોત હવે જનાર્દન દ્વિવેદીનું સ્થાન લેશે. જનાર્દન દ્વિવેદી સોનિયા ગાંધીના અત્યંત નિકટના અને વિશ્વાસુ મનાય છે. કહેવાય છે કે ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના સારા દેખાવનું ઈનામ અશોક ગેહલોતને મળ્યું છે. કોંગ્રેસને લાગે છે કે અશોક ગેહલોતના નેતૃત્વમાં પક્ષે સારો દેખાવ કર્યો છે. તેમ છતા અશોક ગેહલોત પાસેથી ગુજરાતનું પ્રભારી પદ પાછું લઈ, તેમના સ્થાને રાજીવ સાતવને ગુજરાતના પ્રભારી બનાવ્યા હતા. ગુજરાતમાં ભરતસિંહ સોલંકીના સ્થાને ધારાસભ્ય અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે કે લાલજી દેસાઈને અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના મુખ્ય આયોજક નિયુક્ત કર્યા છે. તેઓ મહેન્દ્ર દોશીનું સ્થાન લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ તેમને મહત્ત્વનું પદ અપાશે તેમ મનાતું હતું. રાજ્યસભાની ચૂંટણીમાં પણ તેમને ટિકિટ અપાશે તેવી ચર્ચા ચાલતી હતી. જો કે રાજ્યસભામાં પણ તેમને ટિકિટ ન અપાતા કોઈ મહત્ત્વની જવાબદારી સોંપાશે તેવી શક્યતા હતી. અંતે તેમને શિરપાવ આપી બિહારના ઈન્ચાર્જ બનાવાતા તેમની ગરીમાને અનુરૂપ સ્થાન અપાયું છે.