અમદાવાદ, તા.ર૪
કોરોના મહામારીને કારણે અનેક ધંધા-રોજગાર અને સેવાઓ પર અસર થઈ છે. જ્યારે શૈક્ષણિક કાર્ય તો માર્ચ મહિનાથી ઠપ છે. જે ઓગસ્ટમાં શરૂ થાય તેવી શક્યતા છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧પ ઓગસ્ટ સુધી તમામ ઉમેદવારોને ઉમેદવારી ફાળવણી પત્ર, વિવિધ પરીક્ષાઓના પરિણામ સહિતની કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પત્ર જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પસંદગી કરવામાં આવેલા ઉમેદવારોના ફાળવણી પત્ર, વિવિધ પરીક્ષાઓના પરિણામ તેમજ બાકી રહેલા ઓએમઆર તથા કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આ તમામ કાર્યોને નોબેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ મહામારીને કારણે ઘણા સમયથી સ્થગિત કરવામાં આવ્યા છે જે ૧પ ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. હાલમાં આગામી ૧પ ઓગસ્ટ સુધી રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યના ઉમેદવારોના વિશાળ સમુદાયના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખી પરિસ્થિતિ સામાન્ય થયા બાદ આ શાળા-કોલેજો પુનઃ શરૂ થયા બાદ તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ તથા પરીક્ષાને લગતા કેટલાક કાયદાકીય પ્રશ્ન અન્વયે જરૂરી આદેશ મળ્યા બાદ મંડળ દ્વારા સ્થગિત કરવામાં આવેલા ઉપરોક્ત કાર્યો તુરંત જ પુનઃ શરૂ કરવામાં આવશે.