(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧ર
આણંદ જિલ્લાના ખંભાતમાં તાજેતરમાં થયેલા કોમી રમખાણોમાં મુસ્લિમોની માલ મિલકત અને વાહનોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તોફાનના દિવસો બાદ પણ ઘણા મુસ્લિમ પરિવારો નિરાધાર થયા હોવાથી રાહત કેમ્પમાં આશરો મેળવી રહ્યા છે. અકબરપુર, મોઈવાડા, મોચીવાડા જેવા વિસ્તારોમાં મુસ્લિમોના ઘણા મકાનો બાળી નાખવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહમદ સિદ્દીકીની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે ખંભાતની મુલાકાત લઈ તોફાનગ્રસ્ત વિસ્તારો અને અસરગ્રસ્તોને મળ્યા હતા.
ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહમદ સિદ્દીકીની આગેવાનીમાં ગુજરાત ચાંદ કમિટીના જનરલ સેક્રેટરી મુનીર એસ. કલીમી, શરીફભાઈ દુધવાલા, ફારૂક કંસારા, શહેઝાદ શેખ, મોહમદ આલમ, ગુલામ મોહંમદભાઈ, મજીદભાઈ, હબીબભાઈ એડવોકેટ, સુન્ની મુસ્લિમ ઉલ્મા કાઉન્સિલના મૌલાના શફી આલમ તથા કારી સુલતાન વગેરેએ ખંભાત જઈ રાહત કેમ્પનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. જેમાં ખંભાતના શહેર કાઝી સૈયદ મુદ્દસ્સર અલી અને એમના સભ્યોની મુલાકાત કરી તેમની સાથે અસરગ્રસ્ત લોકોના પુનઃવસન વિશે ચર્ચા કરી જરૂરી મદદ કરવાની બાંહેધરી આપી હતી, અને રમખાણગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ બાળી નાખેલા મકાનો, દુકાનો તથા વાહનો નિહાળ્યા હતા. પ્રતિનિધિમંડળે ખંભાતના તોફાન અસરગ્રસ્તોને વધુમાં વધુ મદદ પહોંચાડવા અપીલ કરી છે.