પાલનપુર, તા.ર૬
પોતાની જન્મભૂમિ પાલનપુરને અનહદ પ્રેમ કરનારા પ્રતિષ્ઠિત વકીલ શિરીષકુમાર એમ. મોદીનું તા. ૨૫ સપ્ટેમ્બર ’૨૦ ની સાંજે નિધન થયું હતું. જીવનની અંતિમ પળો સુધી સતત કાર્યરત રહેલા આ જાગૃત અને વિદ્વાન અગ્રણી નાગરિકના અવસાનથી શહેરના સંસ્કારી વર્તુળોમાં સન્નાટો અને શોક પ્રસરી ગયો ! એમની અંતિમવિધિ શોકમગ્ન વાતાવરણમાં ૨૬મી ની બપોરે થઈ હતી. પાલનપુરમાં વિકસેલી ગુજરાતની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા વિદ્યા મંદિર ટ્રસ્ટ તથા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત વિવિધ કોલેજોના મુખ્ય વહીવટકર્તા તરીકે તેઓ શ્રી અંતિમ શ્વાસો સુધી સેવાઓ આપતા રહ્યા.કાયદો,કેળવણી અને કળાઓ સાથે એમની અસાધારણ પ્રીતિને કારણે પાલનપુરની અનેક સંસ્થાઓને એમની વિદ્વતા અને કુશાગ્ર વહીવટી ક્ષમતાનો લાભ શિરીષભાઈ આપતા રહ્યા. ૧૯૭૫ ની આસપાસ પાલનપુરની નગરપાલિકાના પ્રમુખ તરીકે એમણે સતત બે-ટર્મ લગી આપેલી મૂલ્યવાન સેવાઓ અવિસ્મરણીય છે.જાહેરજીવનમાં ભ્રષ્ટાચારમુક્ત વહીવટની કેડી કંડારનાર શિ.મ.મોદી એક પ્રતીક તરીકે ઉભરી આવેલા. કોમી સંવાદિતા,સામાજિક ન્યાય અને નાગરિક ધર્મના પ્રશ્નો માટે સદાય હકારાત્મક બૌદ્ધિક મંતવ્યો દર્શાવનારા આ વિરલ વ્યક્તિની પાલનપુરને હંમેશા ખોટ પડશે જ. સ્વ. શિરીષ મોદી જે કોલેજના સંચાલક હતા એવી પાલનપુરની જી.ડી.મોદી કોલેજના પૂર્વ પ્રોફેસર જ. એ. ટી. સિંધીએ’ ગુજરાત ટુડે’ સાથે વાત ચીત કરતાં જણાવ્યું : “શિરીષભાઈ મુસ્લિમ યુવકોના શૈક્ષણિક પ્રશ્નોમાં હંમેશા રસ લેતા હતા,તેના ઉકેલ માટે માર્ગદર્શન પણ આપતા રહ્યા. ‘ગુજરાત ટુડે’ ના આદ્યસ્થાપક મર્હુમ બી. એચ.બલુચ સાહેબ સાથે એમનો નાતો હતો અને તેથી પાલનપુરમાં જ્યારે મુસ્લિમ કેળવણી મંડળની સ્થાપના માટે બલુચ સાહેબ તથા સાથીઓ ઝઝૂમી રહ્યા હતા ત્યારે પાલનપુરમાં સિટી હાઈસ્કૂલના સંચાલનમાં શિરીષભાઈએ મદદ કરી હતી એનો હું સાક્ષી છું.વધુમાં તેઓ બલુચ સાહેબના સાપ્તાહિક ‘મોમીન ગુજરાત’ ના વાચક,પ્રશંસક અને શુભેચ્છક પણ રહ્યા.પાલનપુરમાં મ્હોરેલી મુશાયરા પ્રવૃત્તિ માટે સાહિત્યપ્રેમીઓ એમને હંમેશા યાદ રાખશે.પણ મારે અંતે એક વાત ખાસ કહેવી જોઈએ કે શિરીષભાઈ માટે પદ,પ્રતિષ્ઠા અને પૈસો સઘળું હાથવગું હોવા છતાં તેઓ સામે પૂર તરનારા એક બાહોશ નાગરિક મૂલ્ય અને સાપેક્ષ લડવૈયા તરીકે આપણા ચેતાતંત્ર પર સ્મરણો રૂપે હંમેશા છવાયેલા રહેશે !”
Recent Comments