ભૂજ, તા.૧૭
ગુજરાત : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવાસન બાબતોના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી વાસણ આહિર અને પ્રવાસન તથા મત્સ્યપાલન બાબતોના રાજ્યમંત્રી જવાહર ચાવડાની સાથે ગુજરાત ટુરિઝમના વ્હાઈટ સેન્ડ બે માંડવી બીચ ફેસ્ટિવલલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. કચ્છની વૈવિધ્યસભર અને રંગબેરંગી સંસ્કૃતિને પ્રદર્શિત કરતો આ બીચ ફેસ્ટિવલ ગુજરાતમાં યોજાતો એક અનન્ય ફેસ્ટિવલ છે, જેમાં આપ હસ્તકલાના સ્ટોલ ખાતે ખરીદીના અદ્‌ભૂત અનુભવ ઉપરાંત સાંસ્કૃતિક પર્ફોમન્સ, એડવેન્ચર સ્પોટ્‌ર્સ અને રમતગમતની પ્રવૃતિઓ સહિત અનેકવિધ કાર્યક્રમોનો આનંદ માણી શકો છો. આ ફેસ્ટિવલ બે મહિના એટલે કે, ૧૩ એપ્રિલ સુધી ચાલશે.
આ ફેસ્ટિવલના ભાગરૂપે દરિયાકાંઠે શ્રેષ્ઠ પ્રકારના આતિથ્યસત્કાર ધરાવતા લગભગ પ૦ જેટલા વૈભવી ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. તેમાં રજવાડી સ્યૂટ, પ્રીમિયમ ટેન્ટ, ડીલક્સ એસી સ્વિસ કોટેજ અને નોન એસી સ્વિસ કોટેજ સહિતના ચાર પ્રકારના ટેન્ટનો સમાવેશ થાય છે. જેમાંથી પ્રત્યેક ટેન્ટ એર કન્ડિશનિંગ, ટેલિવિઝન અને સોફા સેટ જેવી વૈભવી સુવિધાઓથી સજ્જ છે. આ ફેસ્ટિવલ એટીવી રાઈડ, પેરાસેલિંગ, બન્જી જમ્પિંગ, ટેમ્પોલાઈન, પેઈન્ટબોલ અને રોમાંચક બુલ રાઈડ સહિતની સંખ્યાબંધ વિશિષ્ટ પ્રવૃતિઓની મજા માણવાનો મોકો પૂરો પાડશે. આ સિવાય, જેટ સ્કી, સ્પીડ બોટ અને બનાના રાઈડ સહિતના વોટર સ્પોટ્‌ર્સ પણ મુલાકાતીઓના મનોરંજન માટે ત્યાં ઉપલબ્ધ છે.