અમદાવાદ, તા.ર
ગુજરાતમાં કોરોના કેર વચ્ચે વાવાઝોડા રૂપી ખતરો ટળી ગયો છે. અરબી સમુદ્રમાં ઉદ્‌ભવી રહેલું ‘નિસર્ગ’ વાવાઝોડું સિવિયર સાયકલોનમાં પરિવર્તિત થવાની શક્યતા દેખાઈ રહી છે. જો કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવે વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે નહીં અને દમણ-મહારાષ્ટ્ર વચ્ચે ૧૦૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. જો કે, તકેદારીના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત છે. હવામાન વિભાગના સૂત્રો મુજબ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે નહીં. પરંતુ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. જ્યારે ડિપ ડિપ્રેશન આગામી ૬ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. ડિપ ડિપ્રેશન હાલ ૬ કલાકમાં ૧૧ કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. હાલ સુરતથી ૬૭૦ કિ.મી. દૂર છે. ત્યારે ૩ જૂનને બુધવારના રોજ ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ ૧૦૦થી ૧૧૦ની રહેશે. ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની સંભવિત અસરને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧પ૯ ગામોને તેમજ ભાવનગર અને અમરેલીના પ૦ ગામોને એલર્ટ કરાયા છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને જોતાં ગુજરાતના ચાર બંદરો ઘોઘા, જાફરાબાદ, પોરબંદર અને ઓખા બંદર પર ર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે ૩-૪ અને પ જૂનના રોજ રાજ્યમાં નવસારી, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, ભાવનગર, અમરેલી, રાજકોટ, સોમનાથ, જૂનાગઢ, ડાંગ, નર્મદા, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને દીવ સહિત અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને લઈ દ્વારકાના દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે. જો કે, ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું ટળ્યું છે ત્યારે આ વાવાઝોડું રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર અને દમણ વચ્ચે ત્રાટકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાને જોતાં તંત્ર દ્વારા અનેક લોકોને સ્થળાંતર કરાયા છે તો લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા જણાવાયું છે. તંત્ર દ્વારા સલામતી માટે તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. જ્યારે કેટલાક બંદરો પર ૧ નંબરનું સિગ્નલ યથાવત્‌ રખાયું છે. જ્યારે લોકોને સાવધાની રાખવા માટે જરૂરી સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી છે.