વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પડ્યા બાદ

(સંવાદદાતા દ્વારા)અમદાવાદ,તા.૧૨
રાજસ્થાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યા બાદ હવે આવતીકાલથી શિયાળાની ઠંડીમાં વધારો થશે. રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્ય પર તેની અસર જોવા મળી રહી છે. પવનની દિશા બદલાતા ઠંડીમાં પણ વધારો થશે. દરમિયાન આજે સવારે પૂરા થતાં ૨૪ કલાક દરમ્યાન રાજયનાં ૨૮ તાલુકાઓમાં ભરશિયાળે ચોમાસા જેવો ૧થી ૨ ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો. આજે સવારે રાજયનાં અનેક ભાગોમાં વરસાદ પડવા પામ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનાં જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સુરતનાં ઉમરપાડામાં ૨ ઇંચ, વરસાદ વરસી ગયો હતો તથા નવસારીનાં ખગ્રામમાં દોઢ ઇંચ, વલસાડનાં ઉમરગામમાં પણ દોઢ ઇંચ, વાપીમાં દોઢ ઇંચ તથા નવસારીનાં ચીખલીમાં સવા ઇંચ, સુરત શહેરમાં પણ સવા ઇંચ પાણી વરસી ગયું હતું. ડાંગના વધઇમાં, અમરેલીનાં જાફરાબાદમાં તેમજ ભરૂચનાં વાલીયામાં સવા ઈંચ વરસાદ પડયો હતો. ઉપરાંત સુરતનાં કામરેજ અને ચોર્યાસીમાં એક-એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે તાપીનાં ડોલવાણમાં, નવસારીનાં ગણદેવીમાં, વલસાડનાં પારડીમાં, છોટાઉદેપુરમાં, ભરૂચમાં, નર્મદાનાં ડેડીયાપાડામાં , તાપીનાં ઉછલ્લમાં, સુરતનાં ઓલપાડમાં , વલસાડમાં, વડોદરામાં, તાપીનાં નીઝરમાં, ખેડાનાં ખતલાલ, સુરતનાં મહુવા અને ગીર સોમનાથનાં વેરાવળમાં એક-એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે આજે સવારે ૮થી ૧૦ દરમિયાન નવસારીનાં વાંસદામાં દોઢ, ડાંગના વધઇમાં ૧, વલસાડ-ઉમરગામમાં અડધો ઈંચ, નવસારીનાં ખગ્રામમાં અડધો ઈંચ તથા ડાંગના સબુરીમાં પોણો ઇંચ વરસાદ પડવા પામ્યો હતો. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેને લીધે રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. હજુ આગામી ૨૪ કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ ૧૩ ડિસેમ્બરને રવિવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી આગળ વધી જશે, જેને કારણે સોમવારથી રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કાતિલ ઠંડી પડવાની શરૂઆત થશે.