ડીસામાં ૮.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૦.૫ અને અમદાવાદમાં ૧૨.૯ ડિગ્રી ઠંડી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૯
સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યભરમાં આજે પણ ઠંડીનું મોજુ યથાવત રહેવા પામ્યું હતું. ગઈકાલની જેમ આજે પણ નલિયા-ભુજ તથા કંડલા ટાઢાબોળ રહ્યા હતા. નલિયામાં તો રાજ્યનું સૌથી ઓછું તાપમાન ૩.૮ ડિગ્રી નોંધાતા નલિયા વાસીઓ ધ્રૂજી ઊઠ્યા હતા. જો કે, ગઇકાલના પ્રમાણમાં આજે તાપમાન આંશિક ઘટાડો નોંધાયો હત છતાં ઠંડીએ કચ્છ પર રીતસરનું આક્રમણ કર્યું હોય તેમ જનજીવન ઠુંઠવાઇ જવા પામ્યું છે.
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા અને રણકાંધીની આસપાસના વિસ્તારોમાં ઠંડીએ અજગરી ભરડો લીધો છે. આજે નલિયા ખાતે સતત બીજા દીવસે લઘુતમ તાપમાનનો પારો ૩.૮ ડિગ્રી જેટલો રહેવા પામ્યો છે. જ્યારે મહતમ તાપમાન પણ નોંધપાત્ર રીતે ઘટ્યું હતું. જેથી ટાઢોળાની અસર તીવ્ર બની જવા પામી છે. અબડાસા તાલુકાના કોઠારા, વાયોર, મોથાળા, બિટ્ટા સહિતના ગામોમાં ઠંડીએ દેકારો બોલાવ્યો છે.કચ્છના મુખ્યમથક ભુજમાં પણ આજે આકરા શિયાળાનો અનુભવરૂપ ૯.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધવા પામ્યું છે. દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે પણ લઘુતમ તાપમાન ૧૦.પ ડિગ્રી જેટલું નોંધાયુ છે. કચ્છના અન્ય વિસ્તારો લખપત, માંડવી, રાપર, ભચાઉ, મુન્દ્રા, અંજાર સહીતના વિસ્તાોમાં સરેરાશ ન્યુનતમ તાપમાન સાત ડિગ્રીથી દસ ડિગ્રી જેટલું નોંધાયું છે. સમયાંતરે ફુંકાતા ઉતર-પૂર્વીય પવનો ઠંડીની તીવ્રતામાં વધારો કરી રહયા છે. ઉતર ભારત-જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થઇ રહેલી હિમવર્ષાને લઇને કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી શરૂ થયેલા ઠંડીના મોજાની અસર જિલ્લાભરની બજારોમાં જોવા મળી રહી છે અને લોકો પોતપોતાના ઘરોમાં રહીને ઠંડીથી બચવા પ્રયાસો કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં આજે ઠંડીમાં આંશિક રાહત જોવા મળતા આજે તાપમાન ૧૩.ર ડિગ્રી જેટલું નોંધાયું છે. જ્યારે ધારી ખાતે ૧૧.પ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગઇકાલે ૧૦.ર ડિગ્રી તાપમાન સામે આજે અમરેલીમાં ૧૩.ર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટવાસીઓએ આજે પણ કડકડતી ઠંડી અનુભવી હતી. ખાસ કરીને આજે સવારે પવનની સરેરાશ ઝડપ ૮ કિ.મી. રહેતા શિત લહેરો એ નગરજનોને ઠુંઠવ્યા હતા. આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન ૧૦.૩ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઠંડા શહેરોમાં આજે નલિયા બાદ ડીસા બીજા નંબરે રહ્યું હતું. ડીસા ખાતે આજે સવારે ૮.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ડીસા ઉપરાંત આજે અમદાવાદ, ગાંધીનગરમાં પણ તીવ્ર ઠંડી અનુભવાઇ હતી. આજે સવારે અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૨.૯ ડિગ્રી અને ગાંધીનગરનું લઘુતમ તાપમાન ૧૦.પ ડિગ્રી નોંધાયુ હતુ. આ ઉપરાંત વડોદરામાં ૧૪.૪, સુરતમાં ૧૭.૪, ભાવનગરમાં ૧૩.૮, પોરબંદરમાં ૧૬.૯, વેરાવળમાં ૧૭.૬, દ્વારકામાં ૧૬.૨, ઓખામાં ૧૯ અને સુરેન્દ્રનગરમાં ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતુ.જયારે મહુવામાં ૧૪.ર, દિવમાં ૧૬.૮, વલસાડમાં ૧૩ અને વલ્લભ વિધાનગર ખાતે ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.