પાટણ, તા.૯
પાટણ જિલ્લાના સાંતલપુર નજીક આવેલ એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેેડ કંપનીમાં ગઈકાલે મોડીસાંજે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી અને અગ્નિશમનના કોઈ જ સાધનો નહીં હોવાથી જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ભારે અફડાતફડી મચી હતી. જો કે, રાધનપુર સહિત અન્ય સ્થળોએથી ફાયર ફાઈટરો બોલાવી મધ્યરાત્રિએ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગથી દોઢ કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એશિયાના સૌથી મોટા ચારણકા સોલારપાર્કમાં ગઈકાલે મોડીસાંજે શોર્ટસર્કિટ થતાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી જોતજોતામાં ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમીટેડ કંપનીના કન્ટ્રોલરૂમ, લાઈટની પેનલો સ્વીચયાર્ડ, ટ્રાન્સફર્મરને લપેટમાં લઈ સમગ્ર પ્લાન્ટમાં ફેલાતા ભારે દોડધામ મચી હતી અને આ ભયાનક આગને કારણે સોલાર પાર્કના અન્ય પ્લાન્ટોમાં પણ ટ્રીપીંગ આવતા તમામ પ્લાન્ટો બંધ કરવાની ફરજ પડી હતી. તો આગની જવાળાઓ દૂર દૂર સુધી જોવા મળતાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ઉચાટમાં આવી ગયા હતા.
ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશનનો આ પ્લાન્ટ પાંચ મેગાવોટનો છે. આગને લીધે મોટાભાગની સાધન સામગ્રી ખાખ થતા ફરીથી સોલાર પ્લાન્ટ કાર્યરત થતાં અંદાજે દોઢથી બે બે મહિનાનો સમય લાગશે જ્યારે આગથી રૂા. દોઢ કરોડનું નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ફાયર ફાઈટર કે અગ્નિશમનની
કોઈ જ સુવિધા નહીં !!!

એશિયાના સૌથી મોટો એવા ચારણકા સોલાર પાર્કમાં આગ લાગી ત્યારે ફાયર ફાઈટર કે અગ્નિશમનની કોઈ જ સાધન સામગ્રી નહીં હોવાનું પ્રકાશમાં આવતાં ભારે ખળભળાટ મચ્યો છે. સોલાર પાર્કમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ઇનેક કર્મચારીઓ કામ કરે છે. તેમજ આજુબાજુ અનેક ગામો આવેલા છે. છતાં ફાયર ફાઈટર કે અગ્નિશમનની કેમ સુવિધા રાખવામાં આવી નથી ? તે પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો હતો. એશિયાના સૌથી મોટા આ સોલાર પાર્કમાં ફાયર ફાઈટરની કોઈ જ સુવિધા નથી તે વાતથી ગુજરાત સરકારના અધિકારીઓ અજાણ હશે ? સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે સોલારપાર્કમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે કોઈ જવાબદાર અધિકારીએ મુલાકાત નહીં લીધી હોય કે, પછી આંખ આડા કાન કર્યા હશે ? તેવા અનેક સવાલો ઉભા થયા છે.