અંકલેશ્વર, તા.૧૬
ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના પ્રતિનિધિ મંડળ દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે નવનિયુક્ત ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ ચીફ ઓફિસરનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. અંકલેશ્વર નગરપાલિકા ખાતે ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના પ્રતિનિધિ મંડળ અંકલેશ્વર દ્વારા નવનિયુક્ત ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાને પાલિકાના રોજમદાર સફાઈ કામદારના ચાર જેટલા પ્રશ્નો બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમાં જણાવ્યા મુજબ રોજમદાર કામદારના સળંગ ૨૫ દિવસની હાજરી હોય તેને ૫ વર્ષ જૂના કર્મચારીને રૂપિયા એક હજાર ૧૦ વર્ષ કર્મચારીને રૂપિયા ૧૫૦૦ અને તેની ઉપરના જૂના કર્મચારીને રૂપિયા ૨૦૦૦ તેમના મૂળ પગારમાં વધારો કરી આપવા તેમજ રોજમદાર કર્મચારીને ૧ વર્ષની ૧૨ સીએલ આપવા તેંમજ નગરપાલિકા અધિનિયમની જોગવાઈ મુજબ રોજમદાર કર્મચારી જેના ૫ વર્ષ થયા હોય તેમને કાયદેસર સરકારી નિયમ મુજબ જે રોજમદાર કર્મચારીને ૬૦ વર્ષ રિટાયર્ડની ઉમર થાય અથવા અવસાન થાય, ત્યારે તેમના કુટુંબના આશ્રિતને ગ્રેજ્યુઈટીની રકમ ૩૦ દિવસમાં ચૂકવવા અને જે રોજમદાર કર્મચારી છે. તેમને વર્ષની ૧૨ સીએલ આપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના પ્રતિનિધિ મંડળ અંકલેશ્વર દ્વારા નવનિયુક્ત મુખ્ય અધિકારીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે પ્રદેશ ઉપપ્રમુખ કિરણ સોલંકી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.